રાજકોટ: જિલ્લામાં રોગચાળાને અટકાવવા ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાનામોવા નજીક 'પટેલ પેંડા' માંથી 2600 કિલો અખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા 45 વેપારીઓનું ચેકિંગ કરાયું: ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 45 જેટલા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 17 વેપારીઓને લાયસન્સ બાબતે સૂચના આપી હતી અને પનીર, થાબડી, બરફી અને આઈસ્ક્રીમ સહિતના લેવાયા હતા. મનપાના આરોગ્ય અધિકારી રાઠોડ જણાવ્યું હતું કે, નાનામોવા ચોક ખાતે આવેલ પટેલ પેંડાવાળાને ફૂડ વિભાગ ચેકીગ કર્યું જે દરમિયાન અનેક પ્રકારની મીઠાઈ તથા ફરસાણનો ઉત્પાદન પેઢી દ્વારા કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું.
અંદાજિત 2600 કિગ્રા મીઠાઇનો નાશ કરાયો: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઉત્પાદનનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે તેના કોલ્ડ સ્ટોરેજની તપાસ કરાતા પેઢી દ્વારા આવા પ્લાસ્ટિક પેકેટ બેગમાં જથ્થો તથા મીઠાઈનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મીઠા, માવાના પેકેટ પર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે વિગતો આપેલ ન હોવાનું અને મીઠાઇમાં ફંગસ થવા લાગ્યાનું જાણવા મળ્યું હતું. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મીઠાઈ મળીને અંદાજિત 2600 કિલોગ્રામ મીઠાઈનો જથ્થોનો આરોગ્ય શાખાની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.