ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગનો થપ્પો, ચાર સાગરીતોએ કરેલી કબૂલાત વાંચોને ચોંકી જશો - SURAT CRIME

સુરત જિલ્લામાં ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગના ચાર સાગરીતોને સુરત ગ્રામ્ય જિલ્લા LCB પોલીસે ઝડપી પાડ્યા છે. જાણો સમગ્ર મામલો

ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગ
ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 4:43 PM IST

સુરત :છેલ્લા કેટલાક દિવસોથી સુરત જિલ્લામાં લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. આ મામલે પોલીસને સફળતા મળી છે. સુરત જિલ્લામાં ચપ્પુની અણીએ રાહદારીઓને આંતરી લૂંટ કરનાર ગેંગને સુરત ગ્રામ્ય જિલ્લા LCB પોલીસ ટીમે ઝડપી પાડી છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, તેમજ 8 મોબાઈલ ફોન અને બે બાઈક જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં બે ગુના ડિટેકટ થયા છે.

સુરત પોલીસને મળી મોટી સફળતા :સુરત જિલ્લામાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે લૂંટ, ચોરીની ઘટનાઓ પણ વધી જતાં પોલીસ દોડતી થઈ છે. પોલીસ વિભાગે વાહન ચેકીંગ તેમજ પેટ્રોલિંગ તેજ કર્યું છે. સુરત ગ્રામ્ય જિલ્લા LCB પોલીસ ટીમ ફુડસદ ગામ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક કારેલી ગામ તરફ જતા છેડા પાસે વાહન ચેકિંગની કામગીરી કરતી હતી. આ દરમિયાન બાઈક પર સવાર ચાર ઈસમો શંકાસ્પદ જણાતા તેઓને રોકીને પોલીસે તપાસ કરી હતી.

સુરતમાં ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગનો થપ્પો (ETV Bharat Gujarat)

શંકાસ્પદ શખ્સોની પૂછપરછમાં ખુલ્યો ભેદ :પોલીસે મોબાઈલ અંગે પૂછપરછ કરતા આ શખ્સોએ સંતોષકારક જવાબ ન આપ્યો તેમજ આરોપીઓ વિશે તપાસ કરતા તે ગુનાહિત ઈતિહાસ જણાય આવતા પોલીસે કડક પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ કીમ તથા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચપ્પુની અણીએ મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાનું સામે આવ્યું હતું.

ચાર આરોપી ઝડપાયા :પોલીસે 19 વર્ષીય અનુરાગ રાજુસિંગ રાજપૂત, 20 વર્ષીય શિવમ ઉર્ફે રાઈડર શશીકપુર શર્મા, 24 વર્ષીય જતીન ડાહ્યાભાઈ મકવાણા અને 20 વર્ષીય આયુષભાઈ દિનેશભાઈ ચતુર્વેદીની અટક કરી છે. સમગ્ર લૂંટના કેસને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

બે બાઈક અને આઠ મોબાઈલ જપ્ત :પોલીસે આરોપીઓ પાસેથી 41 હજારની કિંમતના અલગ અલગ કંપનીના 8 મોબાઈલ ફોન તેમજ 1.20 લાખની કિંમતની બે બાઈક મળી કુલ 1.61 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. હાલ કીમ તથા કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. કીમ પોલીસે ચારેય આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને આઠ મોબાઈલ જપ્ત (ETV Bharat Gujarat)

સુરત જિલ્લામાં લૂંટના બનાવ :આ બાબતે કીમ પોલીસ મથકના PI પી. એચ. જાડેજાએ જણાવ્યું કે, સુરતમાં ઓલપાડ તાલુકાના કન્યાસી ગામે થોડા દિવસો અગાઉ લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં કીમ પોલીસ અને જિલ્લા LCB પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી. દરમિયાન સુરત જિલ્લા LCB ટીમને ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામના ઓવર બ્રિજ નીચેથી બે બાઈક પર ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ તપાસ અને કાર્યવાહી :પોલીસે યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેઓએ કીમ તથા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી 8 મોબાઈલ અને બે બાઈક મળી કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીઓનો કબજો કીમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. કીમ પોલીસે આગળની કાર્યવાહી કરી રિમાન્ડ મેળવ્યા છે અને આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  1. સુરતમાં ફિલ્મી અપહરણ, પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા
  2. સુરત પોલીસે હત્યા કેસ હેઠળ આરોપી ભાઈઓની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details