સુરત : પોષ એકાદશીએ સુરતના રામનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો જીવતાં કરચલા ચડાવવા ઉમટી પડ્યાં હતાં. આ મંદિરે શા માટે જીવતાં કરચલાં ચડાવવાની માનતા રાખવામાં આવે છે અને તેનું શું મહત્ત્વ છે તે જાણીએ. સુરત : શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જેમાં શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે. આવું જ એક મંદિર છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મંદિર, કદાચ વિશ્વમાં મહાદેવનું આ એક એવું મંદિર હશે કે જ્યાં જીવતા કરચલા ચડાવવાની પ્રથા છે. પોષી એકાદશીના દિવસે અહી મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં ભક્તો માનતા પૂર્ણ થતા અને માનતા લેવા શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે.
શિવલિંગ પર જીવતા કરચલા ચડાવાય છે : તાપી નદી તટે વસેલા સુરત શહેરમાં અનેક મંદિરો આવેલા છે. જેમાનું એક ઉમરા સ્થિત આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે. આ મંદિરમાં લોકો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. પોષી એકાદશીએ અહી મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં દૂર દૂરથી ભક્તો દર્શનાથે આવે છે અને શિવલિંગ પર જીવતા કરચલાં ચડાવે છે. માન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય અને માનતા પૂર્ણ થતાં અહી આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આજના દિવસે પણ અહી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને લોકો શિવલિંગ પર જીવતા કરચલાં ચડાવીને માનતા પૂર્ણ થતાં અને માનતાં લેતા જોવા મળ્યાં હતાં.
શ્રીરામે અહી પિતૃતર્પણ વિધિ કરી :લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ વનવાસ દરમ્યાન અહી આવ્યા હતા અને પોતાના કમાનથી આ શિવલિંગ ઉત્પન્ન કરી હતી. આ દરમ્યાન પિતા દશરથ રાજાના અવસાનના સમાચાર તેઓને મળતા પ્રભુ શ્રીરામએ અહી પિતૃ તર્પણ વિધિ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ કોઈ બ્રાહ્મણ નહી મળતાં તેઓએ સમુદ્ર દેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી જેથી સમુદ્ર દેવ પ્રગટ થયા હતાં અને શ્રીરામએ અહી પૂજા કરી હતી. સમુદ્રના મોજાના કારણે અનેક જીવતાં કરચલાં શિવલિંગ પર આવી પડ્યાં હતાં. જેથી સમુદ્રદેવે ભગવાન શ્રીરામને આ જીવોનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી અને આ જોઇને ભગવાન ઘેલા બન્યાં હતાં જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું હતું.