સુરતઃ કીમ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક કિસ્સાઓમાં બાઈક ચાલકો દ્વારા જ બેદરકારીપૂર્વક બાઈકમાં ચાવી મુકવી તેમજ આડેધડ જાહેરમાં પાર્કિંગ કરવામાં આવ્યું હતું. જેથી ચોરોને બાઈક ચોરવામાં સરળતા રહે છે. કીમ પોલીસે બાઈક ચોરીના મામલે એકશન મોડ અપનાવ્યો હતો. પીએસઆઈ વી.આર.ચોસલાના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ કર્મીઓએ આડેધડ અને જાહેર માર્ગો પર ખોટા સ્થળોએ પાર્ક કરાયેલ 28 બાઈક્સ ડીટેન કરી લીધા છે.
સમગ્ર ઘટનાક્રમઃ કીમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ચોસલાના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ કર્મીઓએ આડેધડ બાઈક પાર્ક કરતા બાઈક ચાલકોને પાઠ ભણાવ્યો છે. કીમ પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારો જેવા કે મુન્ના એજન્સી, સમૂહ વસાહત નગર, આશીયાના નગરમાં પોલીસે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. ઉપરોક્ત વિસ્તારોમાં કેટલાક બાઈક ચાલકો દ્વારા જાહેર રસ્તાઓ તેમજ સોસાયટીઓમાં અડચણરૂપ વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. જેનાથી લોકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બેદરકાર વાહન ચાલકોની શાન ઠેકાણે લાવા માટે કીમ પોલીસે ઉપરોક્ત વિસ્તારમાંથી કુલ 28થી વધુ બાઈક્સ ડીટેન કર્યા હતા.