રાજકોટ: જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે વેપારી સાથે રૂપિયા 13 લાખની છેતરપિંડી કરવાના પ્રકરણમાં જામકંડોરણા પોલીસે નામચીન મદારી ગેંગના ચાર આરોપીઓને ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ઝડપાયેલ વ્યક્તિઓ પાસેથી 4.60 લાખની રોકડ અને મોબાઇલ મળી રૂપિયા 06.19 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
13 લાખ રૂપિયાની છેતરપિંડી :ગુજરાતીમાં એક કહેવત છે કે, “લોભિયા હોય ત્યાં ધુતારાઓ ભૂખે નથી મરતા” આ કહેવાતનો એક કિસ્સો રાજકોટના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે કે જ્યાં લોભ લાલચમાં લાલચુ વેપારીને છેતરી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાની અંદર એક-બે નહીં પરંતુ 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરી વેપારીને છેતર્યો હોવાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ કિસ્સાની અંદર હાલ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ બનાવમાં ચાર જેટલા વ્યક્તિઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હજુ ચાર જેટલા વ્યક્તિઓ ફરાર હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
અન્ય બે લોકો સાથે છેતરપિંડી: જામકંડોરણાના ખજુરડા ગામે વેપારીની દુકાને દક્ષિણા માંગવા સાધુ વેશમાં જઇ માતાજી પ્રશંન્ન થયા છે અને ધન પ્રાપ્તી થશે, વગેરે કહી તાંત્રિક વિધિ કરાવી માતાજી ક્રોધીત થયા છે તેને મનાવવા અલગ-અલગ જગ્યાએથી ધૂપ મંગાવી ધૂપના કુલ રૂપિયા 13 લાખ વેપારી પાસેથી લઇ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસ પૂછપરછમાં ઝડપાયેલ વ્યક્તિઓ સાત મહિના દરમ્યાન મીઠાપુરના ભીમરાળા ગામે અને જામજોધપુરના મોડપર ગામે પણ બે લોકો સાથે છેતરપિંડી કર્યાની કબુલાત આપી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ધૂપના નામે 13 લાખ લૂંટયા: આ બનાવમાં જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયા (ઉ.વ. 46) કે જેઓ પોતાના ગામમાં ઈલેક્ટ્રીકની દુકાન ચલાવે છે, તેમની દુકાને ચાર માસ પહેલા એક બાવા સાધુના વેશમાં કોઈ આવ્યું હતું અને તેમને રૂદ્ર આપ્યો હતો. અને આ બાવા સાધુએ વેપારી સાથે મિત્રતા કરી તેઓના પર માતાજી પ્રસન્ન થયા છે, તેવું કહી ધન પ્રાપ્તિ થશે તેવી લાલચ આપી હતી. તેની વિધિ માટે ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનું, જુના રૂપીયાના સીક્કા, ચુંદડી, કંકુ સહિતનો વીધીનો સામાન લઇ વાંકાનેર પાસે રફાળા બોલાવ્યા હતા, અને વિધિ કર્યા બાદ સાધુએ 25 તોલા ધૂપ આપવું પડશે તેવું કહ્યું હતું. અને આમ કુલ રૂ.13 લાખ વેપારી પાસેથી પડાવ્યા હતા.