ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી (કેન્સર) અને નિઓનેટલ (બાળરોગ) સારવારની પ્રોસીઝર માટેની નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ હતી. જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો પણ હાજર રહ્યા હતા. દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવીન SOPમાં કોણપણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રખાયું છે.
બેઠકના ખાસ મુદ્દા
- PMJAY-મા યોજના સંલ્ગન તમામ હોસ્પિટલએ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
- જિલ્લા અને રાજ્ય સ્તરે અલાયદી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની ટીમો તૈયાર કરાશે. જે એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારિત અને શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી કરશે
- કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવશે અને તેના માટે SHA દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવશે
વિગતે વાત કરીએ તો, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઇ કાલે સાંજે તા. 11 ડિસેમ્બરના રોજ PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, કમિશ્નર હર્ષદ પટેલ, નેશનલ હેલ્થ મિશનના મેનેજીંગ ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ બેઠક સંદર્ભે જણાવ્યું છે કે, પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતિ આચરતા લોકો માટે નવીન SOP માં કોણપણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુમાં આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સરળ, સુગમ્ય અને સમગ્ર વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે.
નવી ગાઈડલાઈન્સ અંગે જાણકારી આપતા સરકારે જણાવ્યું કે, PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ (બાળરોગ) સારવારની પ્રોસીઝર માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ પી.એમ.જે.એ.વાય. સંલ્ગન હોસ્પિટલએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી માટેની નવીન માર્ગદર્શિકાની પણ દ્વિપક્ષીય વિગતવાર સમીક્ષા કરાઇ હતી. જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાંથી હાજર નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટે પોતાના મત અને પ્રતિભાવ રજૂ કર્યા હતા.
તદ્ઉપરાંત ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર અને નિયોનેટલ કેર એટલે કે બાળકોની લગતી સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. જેમાં પણ નિષ્ણાંત તબીબોના સૂચન લેવામાં આવ્યા હતા.
વધુમાં જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અલાયદી ટીમો તૈયાર કરવામાં આવશે. જે એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારિત, શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત લઇની જરૂરી કાર્યવાહી હાથ ધરશે. તાજેતરમાં તાત્કાલિક અસરથી કાર્ડિયો પ્રોસિઝરની જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીની પ્રોસીઝર માટે હોસ્પિટલએ ફરજિયાતપણે સાથે જ બંને સ્પેશયાલિટી લેવાની તથા બંને સ્પેશ્યાલિસ્ટ ફરજીયાતપણે ફુલ ટાઇમ રાખવાની જોગવાઇ કરાઇ છે.
કાર્ડિયોની પ્રોસિઝર કરતી હોસ્પિટ્લસએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝરની CD દર્દીઓને અને SHA/IC/ISA ને જમા કરાવવાની રહેશે. વધુમાં આ CD પોર્ટલ પર પણ અપલોડ થાય તે માટેની પણ વ્યવસ્થા હાથ ધરવા મંત્રીએ સૂચન કર્યું હતુ. યોજના સાથે સંલગ્ન હોસ્પિટ્લસ ઉપરની માર્ગદર્શિકા મુજબ બંને સ્પેશ્યાલિટી સાથે સંલગ્ન ના થઇ શકે તેવા સંજોગોમાં લાભાર્થીઓની ઇમરજન્સી સારવાર માટે પ્રાથમિક એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝર કરવા માટેની જ માન્યતા આપવામાં આવશે.