મોરબી:માત્ર દેશની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથવાદ જોવા મળતો હોવાની માહિતી મળી છે. તાજેતરમાં જિલ્લા પંચાયતમાં વિકાસ કામોના લોકાપર્ણની પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી જોવા મળી હતી, જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.
જાણી જોઇને બાદબાકી કરવામાં આવી હોય તેવા આક્ષેપ: મોરબી જિલ્લા પંચાયત દ્વારા ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર અને ભડિયાદ ગામના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણનો શનિવારે સમારોહ યોજાયો હતો. જેની આમંત્રણ પત્રિકામાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ, ધારાસભ્ય ઉપરાંત કારોબારી ચેરમેન, બાંધકામ સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ અને શિક્ષણ સમિતિના ચેરમેનના નામો લખવામાં આવ્યા હતા. પરંતુ ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી કરવામાં આવી હતી. ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી જાણી જોઇને કરવામાં આવી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પરિણામે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.
ચેરમેને પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પર આક્ષેપો કર્યા:જિલ્લા પંચાયત કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયાનું નામ પત્રિકામાં ન લખવાના મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પરિષદમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, કાંતિલાલ અમૃતિયા 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં મોરબીમાં કોઈ કામ ન કરતા હોવાથી સ્થિતિ કથળી છે.