ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Loksabha Seat : કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડાને ફરી ટિકિટ મળી, ભાજપની પ્રથમ ઉમેદવાર યાદીમાં મળ્યું સ્થાન - BJP Candidate List One

લોકસભા સામાન્ય ચુંટણી 2024 માટે કચ્છ લોકસભા બેઠક માટે ભાજપે ફરી એક વાર કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા પર કળશ ઢોળ્યો છે અને સતત ત્રીજી વાર કચ્છ લોકસભા બેઠક માટે તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. કચ્છની જનતાની લોકચાહના મેળવનાર અને સતત પ્રજા વચ્ચે રહી કામ કરનારા યુવા સાંસદ વિનોદ ચાવડા કોણ છે જાણો ઈટીવી ભારતના આ વિશેષ અહેવાલમાં.

Kutch Loksabha Seat : કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડાને ફરી ટિકિટ મળી, ભાજપની પ્રથમ ઉમેદવાર યાદીમાં મળ્યું સ્થાન
Kutch Loksabha Seat : કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડાને ફરી ટિકિટ મળી, ભાજપની પ્રથમ ઉમેદવાર યાદીમાં મળ્યું સ્થાન

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 7:31 PM IST

Updated : Mar 2, 2024, 8:54 PM IST

ઉજવણી કરવામાં આવશે

કચ્છ : કચ્છ લોકસભા બેઠક પર ભાજપના મહોડી મંડળ દ્વારા વિનોદ ચાવડાને ફરી એકવાર ટિકિટ આપીને રીપિટ કરવામાં આવ્યા છે. ત્યારે કચ્છ ભાજપના પ્રમુખ દેવજી વરચંદે ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને સતત ત્રીજી વાર વિનોદ ચાવડાને ટિકિટ ફાળવાતા કચ્છ ભાજપમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. વિનોદ ચાવડાને 5 લાખ મતથી વિજેતા બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદે જણાવ્યુ હતુ તો હાલમાં યુવા સાંસદ વિનોદ ચાવડા ગાંઘીનગરથી કચ્છ આવવા રવાના થયા છે અને રાત્રે 9:30 કલાકે કચ્છના ભાજપ કાર્યલય કમલમ ખાતે ફટાકડા ફોડીને મીઠાઈ દ્વારા ઉજવણી કરવામાં આવશે.

સાંસદ પરિચય : કચ્છ લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડાનો જન્મ 6 માર્ચ 1979ના રોજ કચ્છના નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર ખાતે થયો હતો. વિનોદ ચાવડાના પિતાનું નામ લખમશી છે જ્યારે માતાનું નામ રસીલાબેન છે. વિનોદ ચાવડાના પત્નીનું નામ સાવિત્રીબેન છે અને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. વિનોદ ચાવડાએ એલએલબી, બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ ભુજની લાલન કોલેજ, જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ અને એસ.ડી.સેઠિયા કોલેજ, કચ્છ ખાતેથી શિક્ષણ મેળવ્યું છે.

વિનોદ ચાવડા પરિવાર સાથે

ભૂતકાળમાં લાખોની લીડથી જીત : વિનોદ ચાવડાની રાજકીય સફરની વાત કરવામાં આવે તો વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાની રાજકીય સફર પ્રારંભ કરી હતી અને વ્યવસાયે વિનોદ ચાવડા એડવોકેટ છે. વર્ષ 2014માં એસસી અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે 2,54,482 મતથી હારી ગયા હતાં. વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3,05,513 મતથી હારી ગયા હતાં.

પક્ષે ત્રીજી વખત ટિકિટ ફાળવી : કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડાને મજબૂત નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લી બે ટર્મથી સતત સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને પાર્ટીએ ફરી વિશ્વાસ મૂકીને ત્રીજી વાર બેઠક પર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી માટે અન્ય રાજ્યોમાં પણ તેઓને જવાબદારીઓ અનેકવાર સોંપવામાં આવી છે.

સેવાકાર્યોની નોંધ મોવડીમંડળે લીધી

કચ્છના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ :સામાન્ય રીતે રાજકારણમાં જોવા જઈએ તો રાજકારણીઓ ઓછું ભણેલા હોવાની માન્યતા હોય છે, પરંતુ કચ્છના વર્તમાન સાંસદ એમએ, બીએડ્ અને સ્પેશિયલ એલએલબીની ડિગ્રી ધરાવે છે. તેમજ તેમના પર આજ સુધી એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી કે કોર્ટ કેસ ચાલતો નથી. આમ તેઓ નિર્વિવાદિત થયા છે. હાલમાં તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમજ દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા દેશના સૈનિકોની રક્ષાબંધન અને દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાત લેતા હોય છે અને ઉજવણી કરતા હોય છે. આ ઉપરાંત સમુહલગ્નોના આયોજનમાં પણ તેઓ સક્રિય હોય છે. પૂર્વ કચ્છ વિસ્તારના ભચાઉના દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક વિતરણ કેમ્પ, તેમજ કચ્છના રેલવે તેમજ એરપોર્ટના પ્રશ્નો અંગે રજુઆત, વખતોવખત રક્તદાન કેમ્પ, પોતાની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસકામો,તેમજ નર્મદાના પાણી મુદ્દે તેમજ કમોસમી વરસાદમાં ખેડૂતો પડખે ઉભા રહેવા સહિતની કામગીરીઓ તેમણે કરી છે.તો હાલમાં જ કચ્છમાં આવેલા બિપરજોય વાવાઝોડા સમયે તેમને ખુબ સરાહનીય કામગરી કરી હતી અને આયોજનબદ્ધ પરિસ્થતિને નિયંત્રણમાં રાખી હતી.

રાજકીય હોદ્દાઓ : વિનોદ ચાવડાના રાજકીય હોદ્દાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. તો વર્ષ 2014માં તેઓ એસ.કે.વર્મા યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિનાં સભ્ય પણ બન્યા હતા. તો વર્ષ 2014માં 12 નવેમ્બરથી 25 મે 2019 સુધી તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો : વર્ષ 2019માં લોકસભા બેઠક પર ફરી ચૂંટાયા બાદ તેમની બીજી ટર્મ શરૂ થઈ હતી. જેમાં તેઓ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંયુક્ત સમિતિ ઓન ઓફિસ ઓફ પ્રોફિટ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા અને બે વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં પણ મહત્વનું સ્થાન આપ્યું હતું અને તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો.

તેમના કાર્યોની નોંધ ઉપરના સ્તર સુધી : ભાજપના પ્રદેશ માળખામાં પ્રથમ વખત કચ્છને મહત્વનું સ્થાન મળ્યું છે. તેમના બે ટર્મ સાંસદ તરીકેના કાર્યકાળમાં અને સંચાલનમાં કચ્છની તમામ વિધાનસભા બેઠકો, તમામ નગર પાલિકા, દસે દસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે અને કચ્છ કોંગ્રેસમુક્ત બન્યું છે. તેમજ સંગઠન પણ મજબૂત બનતા મતેની નોંધ ભાજપ પક્ષના ઉપરના સ્તર સુધી લેવાઈ છે.

જીતની હેટ્રિક થઈ શકે છે : ઉલ્લેખનીય છે કે, કચ્છના સાંસદ વિનોદ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિમણૂક પણ કરવામાં આવી હતી. પંજાબ વિધાનસભા ચુંટણી સમયે તેમના દ્વારા પંજાબમાં પ્રચાર કરી ભાજપની જ્વલંત જીત માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલના સાંસદ વિનોદ ચાવડા સરળ અને સૌમ્ય સ્વભાવના છે અને લોકોનાં પ્રશ્નોનો હલ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે જેના કારણે સાંસદે લોકો વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. હાલ 2024માં આવનારી લોકસભામાં ફરીથી ટિકિટ મળતા તેઓ જીતની હેટ્રિક મારી શકે છે.

  1. Loksabha Election 2024: કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડા સિવાય ભાજપ પાસે અન્ય કોઈ વિકલ્પ ખરો?
  2. Loksabha Election 2024: કચ્છ લોકસભા બેઠકનું આંકાડાકીય વિશ્લેષણ, કેટલા મતદારો ચૂંટશે ભાવિ સાંસદને ?
Last Updated : Mar 2, 2024, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details