કચ્છ:તાજેતરમાં કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પશ્ચિમ કચ્છના વિશ્વ પ્રખ્યાત સફેદ રણમાં પ્રવાસીઓનો સતત ધસારો રહેતો હોય છે. ધોરડો ગામ સુધી જતા માર્ગ પર સતત 3 થી 4 મહિના ટ્રાફિક રહેતો હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. પરિણામે અહીં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્ગ અને મકાન વિભાગે ધોરડો ગામની જગ્યાએ ગોરેવાલીથી સીધા સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચી જઈ શકાય તેવો 12 કિમીનો બાયપાસ રોડ 80 કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત સરકાર સમક્ષ કરવામાં આવી છે. જેના વિરોધના ભાગ રૂપે ગોરેવાલી ગામના સ્થાનિકો અને કલાકારો આજે કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી અને આ રોડ ગોરેવાલી ગામમાંથી પસાર થાય તેવી માંગ કરી હતી.
ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતના 150 પરિવારો રણોત્સવ થકી આર્થિક સદ્ધર થયા:ધોરડો રણ ઉત્સવ ખાતે દર વર્ષે વિકાસમાં નવો ઉમેરો કરી સરકાર જન હિત માટે કાર્યશીલ હોય છે. જેના પરિણામે ત્યાંના સ્થાનિક હસ્તકલના કારીગરો, માટીકામના કારીગરો, હોમસ્ટે ધરાવતા દલિત ગરીબ પરિવારને રોજગારી મળતી થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ મુજબ સ્થાનિક લોકો પ્રેરિત થયા અને રણ ઉત્સવ સાથે ખૂબ મોટા પાયે ધંધા વિકસાવી ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતના 150 જેટલા દલિત પરિવારો આર્થિક સદ્ધર થયા છે.
નવો રોડ બાયપાસ થઈને જશે તો પરિવારો પર આવશે મુશ્કેલી:પરંતુ ગત 2 વર્ષમાં જાણે "વોકલ ફોર લોકલ" સૂત્રને તેમજ PM મોદીના વિઝનને જાણે ભૂલી હવે વિકાસના નામે વિનાશકાર્ય કરી સ્થાનિક વ્યવસાય છીનવાઈ જાય તેવો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ છે. વર્તમાન સમય ગોરવાલીને બાયપાસ કરતો 80 કરોડનો રોડ વિકાસના નામે મંજુરી માટે ગયો છે. જો આ રોડ ગોરેવાલીની બાયપાસ જશે તો આ ગરીબ દલિત પરિવારને પેટ પર પાટું માર્યા સમાન છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.
પરિવારનું રોજગાર બંધ ન થાય તે દિશામાં પગલાં લેવા માંગ: જો 80 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ બાયપાસ રોડ બની જશે તો આખા બન્નીમાં ગોરેવાલી જ એવું એકમાત્ર ગામ છે જ્યાં સૌથી વધારે દલિત પરિવારના હસ્તકલાના કારીગરો, હોમસ્ટે ધરાવતા 150 પરિવારના રોજગાર, નાના દુકાનદારો, ચા લારી ધરાવતા નાના ધંધાર્થીઓનો રોજગાર બંધ થઈ જશે અને આ પરિવારોને હિજરત કરવાનો સમય આવશે. પરિણામે આ રોડનું કાર્ય રોકી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી ગરીબ દલિત પરિવારની અવાજ પહોંચે તેમજ ગરીબ દલિત પરિવારનું રોજગાર બંધ ન થાય તેવા પ્રયત્નો કલેક્ટર દ્વારા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.