કચ્છ: જિલ્લાનું સૌથી જૂનું શહેર એટલે કે પૂર્વ કચ્છનું અંજાર. આ શહેર આશરે 1480થી વધુ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1602ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ માગશર બાદ આઠમના દિવસે શહેરના સ્થાપનાદિન નિમિતે ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઐતિહાસિક અંજાર શહેરની ડ્રોન તસવીરો વિકાસ બરાડીયા અને કેયુર સીજુ દ્વારા કેદ કરવામાં આવી છે.
કચ્છનું ઐતિહાસિક અને સૌથી જૂનું શહેર અંજાર: અંજાર શહેરની સ્થાપના થઇ તે પહેલા આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તારનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે. તો બીજી બાજુ સૂકા રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. આ વિસ્તારના ખેતરોમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં ઉત્પાદન થતું અને આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર તરીકે ગણાતું હતું. અનાજનું મોટું બજાર પણ અહીં હતું. પરિણામે આ વિસ્તાર 'અન્નબજાર' તરીકે ઓળખતો થયો, અને ત્યારબાદ અંજાર તરીકે ઓળખાવા લાગ્યું.
અંજાર શહેરને અનેક ભૂકંપોએ ઘમરોળ્યું: અંજારમાં આકર્ષક પુરાતત્ત્વીય સાઇટ, શ્રેષ્ઠ હિન્દુ સ્થાપત્ય અને કલાનો સંગમ જોવા મળે છે. અંજાર શહેરને અનેક ભૂકંપોએ ઘમરોળ્યું છે, છતાં દર વખતે તે ખુમારીથી ફરીથી બેઠું થયું છે. ગુજરાતભરમાં અંજાર અજેપાળના નગર અને જેસલ-તોરલની સમાધિના સ્થળ તરીકે પ્રખ્યાત તીર્થસ્થાનસમું છે. કચ્છના મહારાવ ખેંગારજીએ ભુજમાં રાજધાની સ્થાપી એ પહેલાં અંજાર રાજધાનીનું શહેર તરીકે ઓળખાતું હતું. સમય જતાં રાજધાનીનું બિરુદ તો ગયું, પણ સાથે સાથે કચ્છમાં આવતા તીવ્ર ભૂકંપોનો મહત્તમ ભોગ હંમેશા અંજાર જ બનતું રહ્યું. વર્ષ 1956 અને 2001માં આવેલા ગોઝારા ભૂકંપોમાં અંજારને સૌથી વધુ નુકસાન થયું હતું.
અજયપાળ ચૌહાણે અજમેરથી આવી અંજાર શહેરમાં પોતાનું થાણું સ્થાપ્યું: આમ તો અંજાર છે તે કહેવાય અજેપાળનું. એક દંતકથા એવી પણ છે કે, દરિયાપારના આક્રમણને ખાળવા ચૌહાણ વંશના અજમેરના રાજાનો ભાઈ અજયપાળ ચૌહાણે અજમેરથી આવી અંજાર શહેરમાં પોતાનું થાણું સ્થાપ્યું હતું અને અંજારમાં હિન્દપારની ચોકી ગોઠવી હતી, તે અજેપાળ વિક્રમ સંવત 741મા દેવ થયા હતા. સ્વાભાવિક છે કે, એ દેવ થયા એ પહેલાં પણ કેટલાંક વર્ષો તે અંજારમાં રહ્યા જ હશે. અંજારમાં તેમનું મંદિર હજી પણ અસ્થાનું સ્થાન ગણાય છે. અંજારમાં તેઓ પીર તરીકે પૂજાય છે. અજેપાળ દેવ થયાને 1340 વર્ષ થયાં એ પહેલાંના ઇતિહાસને પણ જો માનવામાં આવે તો અંજારને 1480 વર્ષ થયા છે.
જેસલ તોરલની પ્રખ્યાત લોકકથા: અંજારનાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે. જેસલ-તોરલની સમાધિ અને લોકકથામાં કરાયેલું એનું વર્ણન પણ અંજારની મુલાકાતીઓને જિજ્ઞાસા પ્રેરે છે અને સંસારની વિરકત ભાવનાઓને પણ જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ-તોરલની અમરગાથા આજે પણ લોકહૃદયમાં ગૂંથાઈ ગઈ છે. 14મી સદીની મધ્યમાં જામ લાખાનો પૌત્ર જેસલ જાડેજા બહારવટિયો બન્યો હતો. લૂંટફાટ અને અનેક લોકોની કતલ ઠંડે કલેજે કરનારો જેસલ કેવી રીતે કાઠી સતી તોરલને મળે છે અને કેવી રીતે તોરલ તેનો હૃદયપલટો કરી તેને પવિત્ર બનાવે છે એ બધું ફિલ્મ જેસલ-તોરલમાં પણ જોવા મળે જ છે. નિષ્ઠુર બહારવટિયા જેસલને ઉપદેશ પ્રબોધી તેના અંતરના કમાડ ખોલી તેને પશ્ચાતાપના પુનિત આધ્યાત્મિક માર્ગે વાળનાર સતી તોરલનો ઇતિહાસ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રચલિત લોકકથાઓ અને લોકકાવ્યોમાં અમર બની ગયો છે.
જેસલ તોરલની સમાધિ:અંદાજિત 500 વર્ષ પહેલાં જેસલ અંજાર શહેરની કજ્જલીવન નામે ઓળખાતા આંબલીઓના ગીચ વનમાં રહેતો હતો. અને કચ્છ કાળો નાગ તરીકે ઓળખાતો હતો. સૌરાષ્ટ્રના સાસતિયા કાઠી પાસેથી તોરી ઘોડી લઈ આવવાના ભાભીએ મારેલા મહેણા પરથી આવેલા સંત જેવા સાસતિયાએ તોરી શબ્દ પરથી તોરી ઘોડી અને તોરી રાણી બન્ને સોંપી દીધાં હતાં. વહાણમાં પાછા વળતાં સમયે મધદરિયે તોફાનમાં બેબાકળા બનેલા જેસલને ધીરગંભીર તોરલે પાપોનો પસ્તાવો કરાવી હૃદયપલટો કરાવ્યો અને જેસલે પણ બહારવટું છોડી તોરલને ગુરુ માની અલખની આરાધના શરૂ કરી હતી. આમ, તોરલના સતીત્વ અને ભક્તિ થકી તલવાર ત્યજી તંબુરાના શરણે આવનાર જેસલ જાડેજો જેસલ પીર તરીકે પૂજાય છે.
સમાધિ પર હજારો દર્શનાર્થીઓ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે:આજે અંજારમાં જેસલ તોરલની સમાધિ પર હજારો દર્શનાર્થીઓ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં દર્શન કરવા આવે છે. વર્ષ 2001ના ભૂકંપમાં આ સમાધિનું મંદિર ધ્વંસ્ત થઈ ગયું હતું. એક માન્યતા એવી પણ છે કે જેસલની સમાધિ દર વર્ષે તલના દાણા જેટલી અને તોરલની સમાધિ દર વર્ષે જવના દાણા જેટલી એકબીજાની નજીક ખસે છે. જેસલ-તોરલની સમાધિએ દર વર્ષે ચૈત્ર સુદ ચૌદસ અને પૂનમના દિવસે મેળો ભરાય છે.
શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે:રાજાશાહી કાળમાં અંજાર શહેર ફરતે ગઢ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા. તે અનુક્રમે ગંગાનાકું, દેવાળિયા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું અને વરસામેડી નાકું તરીકે ઓળખાય છે. શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે. શહેરના સ્થાપના દિને નગરપતિ દ્વારા ગઢની દિવાલની પૂજા કરવામાં આવે છે. વારંવાર આવેલા ભૂકંપોના કારણે શહેરની પ્રાચીન નગર રચનાના માત્ર અવશેષો જ બચ્યાં છે. 'કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જીરે..' એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારને સાંભળવા મળે છે.
1816માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું: 1901માં અંજારની વસ્તી 18,014 હતી. 1816માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, 1822માં વાર્ષિક કરવેરા મારફતે અંજાર ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. 1832માં બ્રિટિશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું. 1819માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી.