જુનાગઢ: બે દિવસ પૂર્વે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં રાત્રિના સમયે એક બાળકી પર સિંહણે ઘાત લગાવીને હુમલો કરતા તેમાં બાળકીનું મોત થયું હતું. વન વિભાગના ઓપરેશન દરમિયાન ચાર કલાકની ભારે જહમત બાદ અને થર્મલ ડ્રોન કેમેરાના મદદથી વહેલી સવારે સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. સામાન્ય રીતે સિંહ પરિવાર ક્યારે માનવો પર હુમલા કરતા નથી અસામાન્ય પરિસ્થિતિમાં સિંહો દ્વારા માનવ વસાહત કે વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે, ત્યારે જાણો શું છે સમગ્ર ઘટના
સિંહણના હુમલામાં બાળકીનું મોત:બે દિવસ પૂર્વે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામમાં રાત્રિના સાત થી આઠ ની વચ્ચે ખેતરેથી પરત ફરી રહેલી મહિલાની સાથે રહેલી તેમની પુત્રી પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સિંહણ બાળકીને ખેંચીને રાત્રિના અંધારામાં ગુમ થઈ ગઈ હતી. બાળકીને સિંહણ ઉઠાવી ગઈ છે તે વાત ફેલાતા જ ગામમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
પાલીતાણાના ડીસીએફ જયંત પટેલે સિંહોના માનવ પર વધતા હુમલાઓ અંગે જણાવ્યું (Etv Bharat Gujarat) વન વિભાગ પણ તાકિદે ઘટના સ્થળે પહોંચીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાત્રિના અંધારામાં ગુમ થયેલ સિંહણને શોધવી ખૂબ મુશ્કેલ હતી જેના કારણે ખાસ સુરક્ષા વ્યવસ્થા અને નિષ્ણાત તબીબોની હાજરીમાં થર્મલ ડ્રોન કેમેરાના ઉપયોગ કરીને રાત્રિના સમયે ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં વહેલી સવારે સિંહણને બેભાન કરીને સફળતા પૂર્વક પાંજરે પુરવામાં વન વિભાગ ને સફળતા મળી હતી. જે વિસ્તાર માંથી સિંહણ પકડાઈ હતી ત્યાં બાળકીનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
શા માટે સિંહો કરે છે માનવ પર હુમલા: સામાન્ય રીતે ગીરમાં સિંહના ઇતિહાસ પર નજર કરીએ તો, સિંહ પરીવાર ઇરાદાપૂર્વક કે શિકાર કરવાના ઇરાદે માનવ પર હુમલો ક્યારેય નથી કરતા. સિંહ અને માનવો એકબીજાને પરિવાર માનીને જંગલમાં જોવા મળે છે, પરંતુ કેટલીક આકસ્મિક અને વિપરીત પરિસ્થિતિમાં સિંહ માનવ પર હુમલો કરે છે તેવા બનાવો પ્રકાશમાં આવતા રહે છે. સમગ્ર વિશ્વમાં જોવા મળતા સિંહોના ખોરાક તરીકે પણ માણસ ક્યારેય જોવા મળ્યા નથી. આવી પરિસ્થિતિમાં સિંહો દ્વારા માનવ હુમલાની ઘટના ચિંતા ઉપજાવે તેવી છે. સામાન્ય રીતે કોઈપણ સિંહ કે સિંહણ બીમાર હોય વૃદ્ધાવસ્થા હોય શીકાર પાછળ દોડી શકવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય, દાંતને ખૂબ મોટું નુકસાન થયું હોય અથવા તો તે અશક્ત હોય આવી પરિસ્થિતિ માટે તેની સામે આવેલા કોઈ વ્યક્તિ પર હુમલો કરી શકે છે, પરંતુ આ પ્રકારની શક્યતા પણ એકદમ નહીંવત જોવા મળે છે.
વન અધિકારીઓનું અવલોકન: તાજેતરમાં જ ગીર પૂર્વના મુખ્ય વનરક્ષક પ્રાણી વર્તુળ તરીકે સેવા નિવૃત થયેલા ડો. ડી.ટી.વસાવડા એ સિંહણના હુમલાને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે, સિંહ ક્યારેય માનવ પર હુમલા કરતા નથી. કોઈ આકસ્મિક પરિસ્થિતિ કે વિપરીત સંજોગોમાં ક્યારેક હુમલાની ઘટના બને છે. આ સિવાય કોઈ સિંહ પરિવારના સભ્યને છંછેડવામાં આવ્યા હોય, તેવા કિસ્સામાં સિંહ પોતાના રક્ષણ માટે હુમલો કરી શકે છે.
વધુમાં કોઈ સિંહ કે સિંહ પરિવારના સદસ્યને કોઈપણ વ્યક્તિએ છંછેડીને ત્યાંથી નાસી ચૂક્યા હોય આવી પરિસ્થિતિમાં ત્યાંથી બિલકુલ અજાણતાથી પસાર થયેલા કોઈપણ વ્યક્તિ પર સિંહ કે સિંહ પરિવારનો કોઈ પણ સભ્ય તેને છંછેડવાને લઈને હુમલો કરી શકે છે. કોઈ પણ સિંહ પરિવાર સતત હુમલા કરે અથવા તો એક પ્રાણી દ્વારા સતત માણસોને નિશાન બનાવવામાં આવે આવી પરિસ્થિતિમાં જે તે સિંહ અથવા તો સિંહ પરિવારનું પ્રાણી હડકવા ગ્રસ્ત બીમારીનો ભોગ બન્યું હોઈ શકે છે આવી અસામાન્ય પરિસ્થિતિને બાદ કરતાં ગીરના ઇતિહાસમાં સિંહોએ ક્યારેય માનવ વસાહત કે માનવ પર હુમલો કર્યો નથી તેની પાછળનું એક કારણ એ પણ છે કે સિંહો માનવને પોતાના ખોરાક તરીકે ક્યારેય સ્વીકારતા નથી જેથી માનવ પર સિંહોના હુમલા કરવાની શક્યતાઓ એકદમ નહીંવત છે.