જૂનાગઢ:છેલ્લા 15 દિવસમાં ગીરના ઉના કોડીનાર ગીર ગઢડા તાલુકામાં સાત વાર એવી ઘટનાઓ બની છે જેમાં સિંહો રાત્રિના સમયે જોવા મળ્યા હતા. જિલ્લામાં શિયાળા દરમિયાન આ પ્રકારે સિંહોની વિશેષ ચહલ પહલ એકદમ સામાન્ય માનવામાં આવે છે. 15 દિવસમાં બે-ત્રણ જગ્યાએ સિંહોએ ગામમાં રામધણના પશુઓનો શિકાર પણ કર્યો છે. ત્યારે ગઈકાલ રાત્રે દુદાણા ગામમાં સિંહ, સિંહણ અને તેના બે બચ્ચા જોવા મળ્યા હતા. જેને જોઈને ગામના શ્વાનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ઉપરાંત સિંહોના ગામમાં પ્રવેશ કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
15 દિવસમાં ગીરના ગામોમાં સાત જગ્યાએ સિંહોની હાજરી: પાછલા 15 દિવસમાં થયેલા આ સાત કિસ્સામાં બે-ત્રણ જગ્યાએ સિંહોએ ગામડામાં રામધણના પશુઓનો શિકાર કરીને ખોરાકની મિજબાની પણ માણી હતી. સામાન્ય રીતે શિયાળા અને ઠંડીના દિવસોમાં સિંહોની આ પ્રકારની હાજરી અલગ અલગ ગામોમાં સામાન્ય બનતી હોય છે. સિંહો એક ગામથી બીજા ગામ રાત્રિના સમયમાં ચોક્કસ જોવા મળતા હોય છે. ગત રાત્રિના સમયે દુદાણા ગામમાં સિંહ સિંહણ અને તેના બે બચ્ચા એમ મળીને એક આખો પરિવાર ગામમાં પ્રવેશ્યો હતો. જેના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.