જૂનાગઢ:16મી ઓક્ટોબરથી સાસણ ખાતે સિંહ દર્શન સહિત દેવળીયા, આંબરડી, ગિરનાર અને થોડા જ દિવસો પૂર્વે બરડામાં જંગલ સફારીની શરૂઆત થઈ છે. ત્યારે મોટાભાગના સફારી પાર્કમાં ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. જેને ધ્યાને રાખીને કેટલાક છેતરપિંડી કરતા ઈશમો દ્વારા નકલી વેબસાઈટ બનાવીને ગ્રાહકોને છેતરવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે. પાછલા વર્ષો દરમિયાન આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વનવિભાગે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓએ ઓનલાઈન બુકિંગ વખતે તકેદારી રાખવાની સૂચના અને દિશા નિર્દેશો પણ જાહેર કર્યા છે.
સિંહ દર્શન માટે આવો છો તો ઓનલાઇન બુકિંગમાં રાખજો તકેદારી
16 મી ઓક્ટોબરથી સાસણ સહિત દેવળીયા, આંબરડી, ગિરનાર અને તાજેતરમાં જ શરૂ થયેલી બરડા નેચર સફારી માટે સિંહ દર્શન અને પ્રાકૃતિક સફારી માટે જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેના માટે વન વિભાગે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા શરૂ કરી છે. બરડા નેચર સફારી માટે ટિકિટ સ્થળ પરથી જ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સિંહ દર્શન અને જંગલમાં સફારી માટે આવતા પ્રવાસીઓને છેતરવા માટે કેટલાક ઈસમો સિંહ દર્શનની સિઝન શરૂ થાય ત્યારે હરકતમાં આવતા હોય છે. આવા છેતરપિંડી કરતા લોકો દ્વારા સિંહ દર્શનને લગતી એકદમ ભળતી વેબસાઈટ બતાવીને તેમાં પર્યટકોનું ઓનલાઇન બુકિંગ કરતા હોય છે. જે સાસણ કે અન્ય સફારી પાર્ક પહોંચતા જ તેમના પ્રવાસીઓ દ્વારા કરેલું બુકિંગ કોઈ ખોટી કે છેતરામણી વેબસાઈટમાં કર્યું હોવાનો અહેસાસ થાય છે. પાછલા વર્ષો દરમિયાન આ જ પ્રકારના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારે સાસણ સહિત વન્ય જીવ અને નેચર સફારીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ભાગે ઓનલાઇન બુકિંગ કરતાં પૂર્વે ખાસ તકેદારી રાખવાની સૂચના પણ પ્રત્યેક પ્રવાસીને આપવા આવી રહી છે.