વલસાડ: તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિેદ્યાર્થીઓને શિક્ષણની શિષ્યવૃત્તિ મળે તે માટે રેશનકાર્ડ સાથે આધારકાર્ડ કનેક્શન તેમજ આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ હોવો જરૂરી હોવાનો ફતવો બહાર પાડતા ઊંડાણના ગામો રહેતા લોકોની હાલત કફોડી બની છે. વલસાડમાં જનસેવા કેન્દ્ર ઉપર ચાલતા આધાર સેન્ટર ઉપર વહેલી સવારથી લોકો જીપ ભરાઈ-ભરાઈને ધરમપુર કપરાડાથી આધારકાર્ડમાં નામ અપડેટ કરાવવા માટે આવી રહ્યા છે. છતાં તેઓના કામ નથી થઈ રહ્યા. જિલ્લામાં આધારકાર્ડની કુલ 93 કીટ પૈકી હાલમાં માત્ર 70 કીટ કાર્યરત છે.
શિક્ષણ અને પુરવઠા વિભાગના કાયદાને લઈ લોકોને હાડ મારી:શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં જાહેરાત કરવામાં આવેલા નવા નિયમ મુજબ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોને શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડમાં મોબાઈલ નંબર ફરજિયાત હોવાનું તેમજ જે નામ રેશનકાર્ડમાં હોય એ જ નામ આધાર કાર્ડમાં લખાયેલું હોવું ફરજિયાત કરાયું છે, તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા આધારકાર્ડમાં રેશનકાર્ડ અટેચ કરી eKYCની કામગીરી ફરજિયાત કરી દેવામાં આવતા ગ્રામીણ કક્ષાએ રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.
વલસાડમાં આધાર અપડેટ માટે લોકોની ભારે ભીડ (ETV Bharat Gujarat) લોકોનો ઘસારો વધ્યો:વલસાડ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં વીએલઈ દ્વારા કોમ્પ્યુટરથી eKYC દરેક ગ્રામ પંચાયતને કરવી ફરજિયાત હોવાનું લેખિતમાં જે તે તાલુકા પંચાયત દ્વારા જાણ કરાય છે પરંતુ મહારાષ્ટ્રની બોર્ડરના અને ઊંડાણના ગામોમાં ગ્રામ પંચાયતમાં તલાટી તો ઠીક કોમ્પ્યુટર ઓપરેટર પણ ગાયબ રહે છે. જેના કારણે લોકોને તાલુકા સેવા સદન સુધી આવવું પડે છે. તાલુકા સેવા સદનમાં પણ આધાર કીટમાં રોજિંદા માત્ર 40 જેટલા જ અપડેટ થઈ શકતા હોવાથી લોકોનો ઘસારો વધી ગયો છે, જેથી લોકો વહેલી સવારે જીપ પકડીને વલસાડ સુધી લંબાવવાની ફરજ પડે છે.
આધાર અપડેટ માટે લોકોની ભારે ભીડ (ETV Bharat Gujarat) ધરમપુરના ઊંડાણના ગામોમાં લોકોની હાલત કફોડી: ધરમપુરના ઊંડાણના ગામોમાં ખડકી, મધુરી, ખપાટિયા, ચવરા, ઉલસપીંડી, તુતરખેડ સહિત અનેક બોર્ડર વિલેજના ગામોમાં કોઈપણ પ્રકારનું નેટવર્ક નથી. જેના કારણે લોકો તાલુકા કચેરી સુધી પહોંચે છે. તેમજ તાલુકા કચેરીમાં પણ માત્ર બે કીટ કાર્યરત છે અને એમાં પણ માત્ર 40 જેટલા રોજિંદા આધારકાર્ડના અપડેટ થાય છે. જેના કારણે ફરી આવનારા લોકોમાંથી માત્ર 40 લોકોના જ કામ થાય છે. અનેક લોકોને ધર્મ ધક્કા ખાવા પડી રહ્યા છે.
આધાર અપડેટ માટે લાઈનો લાગી (ETV Bharat Gujarat) નાનાં બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી: કપરાડા અને ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં રહેતા લોકોના નાના બાળકો જેમને શિષ્યવૃત્તિની જરૂર છે. એવા તમામ માતા-પિતાઓ વહેલી સવારે સાત વાગે પોતાની સાથે ટિફિન લઈને ખાનગી વાહનોમાં નાણા અને પૈસા ખર્ચી આધારકાર્ડમાં અપડેટ કરાવવા માટે આવી રહ્યા છે. તેઓ લાઈનમાં કલાકો સુધી ઉભા રહે છે. તેમ છતાં પણ તેમના કામો થતા નથી. અહીં આવનારા લોકો ત્રણ ત્રણ અને ચાર ચાર દિવસ સુધી સતત આવી રહ્યા છે. બપોરના સમયે નાના બાળકો અને વૃદ્ધો સાથે લાવેલું ટિફિન પણ ત્યાં બેસીને જ લે છે ત્યારે આ સમસ્યાનો નિકાલ અધિકારીઓને કરવામાં રસ નથી તેમ જણાય છે.
સેવાસેતુ કાર્યક્રમમાં 5000 લોકો ઉમટી પડ્યા: લોકોને સેવાનો ઘર બેઠા લાભ મળે તે માટે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં આધાર અપડેટની કામગીરી માટે માત્ર એક મશીન લઈ જવાયું હતું અને કાર્યક્રમ ધરમપુરના 30 જેટલા ગામોને સાંકળી લઇ આયોજિત કરવામાં આવ્યો હતો પરંતુ આ મશીનમાં પણ માત્ર 40 અપડેટ જ થતા હોવાથી અહીં પોતાની કામગીરી લઈને આવેલા લોકોની લાંબી કતારો જોઈ અધિકારીઓને પણ પરસેવો વળ્યો હતો.
કુલ 70 જેટલી કીટ ઉપલબ્ધ:વલસાડ જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા જિલ્લાના મુખ્ય અધિકારી મનીષ પ્રજાપતિએ etv સાથે વાતચીત કરતા જણાવ્યું કે હાલમાં ત્રણ દિવસથી આધારકાર્ડમાં અપડેટ કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ રેશનકાર્ડમાં eKYC અને શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ કરાવવા લોકોનો ઘસારો છે. જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર સહિત વિવિધ જગ્યાઓ ઉપર કુલ 90 જેટલી કીટો ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં તેમાંથી 23 જેટલી બંધ છે અને માત્ર ગણતરીની કીટ એવી છે કે જેમાં રોજીંદા 40 જેટલા અપડેટ થાય છે બાકીની કીટોમાં નિયત માત્રામાં અપડેટ થતા હોય છે જેના કારણે લોકોને હાડમારી વધુ રહે છે.
કયા વિભાગને કેટલી આધાર કીટ:વલસાડ જિલ્લામાં કુલ 90 જેટલી આધાર કીટ કાર્યરત છે, જેમાં
- ગુજરાત સોશિયલ ઇનફાસ્ટ્રક્ચર સોસાયટીને 16 મશીન અપાયા છે જેમાંથી એક મશીન બંધ છે CHCE ગવર્નન્સ પાસે કુલ બે મશીન છે અને બંને મશીનો કાર્યરત છે.
- IPPB પાસે કુલ ત્રણ મશીનો છે અને ત્રણે ત્રણ મશીનો કાર્યરત છે.
- CHC પાસે કુલ 24 મશીનો છે અને આ 24 એ 24 મશીનો કાર્યરત છે.
- ઈ ગ્રામ વિશ્વગ્રામ વિભાગ પાસે કુલ 21 મોશીનો છે જેમાંથી 9 ચાલુ હાલતમાં છે જ્યારે 12 મશીનો બંધ હાલતમાં છે.
- ICDS વિભાગ પાસે કુલ 15 મશીન છે જેમાંથી 9 ચાલુ હાલતમાં છે જ્યારે છ મશીનો બંધ છે.
- ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન પાસે કુલ નવ મશીન છે, જેમાંથી પાંચ ચાલુ હાલતમાં છે જ્યારે ચાર બંધ હાલત મળશે.
- કમિશનર ઓફ સ્કુલ પાસે એક મશીન છે અને તે કાર્યરત હાલમાં છે. આમ વલસાડ જિલ્લામાં કુલ 93 જેટલા મશીન છે જેમાંથી 70 મશીન ચાલુ હાલતમાં છે જ્યારે 23 મશીનો બંધ થઈ ગયા છે.
નવ મશીનોમાંથી માત્ર પાંચ ચાલુ હાલતમાં:વલસાડ જિલ્લામાં કુલ 90 જેટલા આધાર કાર્ડના મશીનો છે. જેમાં ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન પાસે કુલ 9 જેટલા આધાર કાર્ડના મશીનો છે જેમાંથી ચાર બંધ હાલતમાં છે અને પાંચ મશીનો ચાલુ હાલત છે. જો કે હાલમાં શિષ્યવૃત્તિ માટે જ્યારે દરેક વિદ્યાર્થીઓને આધારકાર્ડ જોઈન્ટ કરાવવા ફરજીયાત બન્યા છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ પોતાના બંધ થયેલા ચાર મશીનો શરૂ કરાવી દરેક સ્કૂલોમાં મોકલાવે તો મોટાભાગની અંતરયાડ વિસ્તારોની સ્કૂલોના વાલીઓને ધરમ ધક્કામાંથી છુટકારો મળે તેમ છે.
આમ વલસાડ જિલ્લામાં મશીનો તો કાર્યરત છે પરંતુ આ તમામ મશીનોની રોજિંદા અપડેટ કરવાની સ્થિતિ વધુમાં વધુ 40 અપડેશનની છે. જેના કારણે અનેક જગ્યાઓ પર માત્ર આધારકાર્ડ 40 જેટલા જ અપડેટ થઈ રહ્યા છે. ઉપરોક્ત બાબતે જિલ્લાના રાજકીય આગેવાનો તેમજ ઉચ્ચ અધિકારીઓ લોકોને પડતી હલાકીને જોઈને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે. નહીં તો વહેલી સવારે સાત વાગ્યાથી આવતા લોકો છે ક સાંજે 6:00 વાગ્યા સુધી આધારકાર્ડમાં અપડેટ કરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો:
- પાલનપુર જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ અપડેટ માટે વિદ્યાર્થીઓને ધરમના ધક્કા, લોકો રીતસર ત્રાહિમામ - Palanpur Aadhaar card update
- 'ગધામજૂરી કરાવે છે સરકાર', શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યાને લઈને શિક્ષક સંઘ થયું લાલઘૂમ - eKYC Problems in scholarship