બનાસકાંઠાઃધાનેરામાં જિલ્લાના વિભાજનને લઈને થઈ રહેલા વિરોધમાં આજે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ત્રણે નેતાઓ એક જ સાથે જોવા મળ્યા હતા. જિલ્લાનું જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી જ ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના અપક્ષ ધારસભ્ય માવજી દેસાઈ જોડાયા હતા.
જિલ્લાના વિભાજન બાદ થરાદ વાવ અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારથી ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. છેલ્લા નવ દિવસથી ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને કાંકરેજને રાખવાની માંગ સાથે તો દિયોદરવાસીઓ મુખ્ય મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી રહ્યા છે. જોકે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા આજે માટે ધરણા કાર્યકમ યોજાયો હતો. જેમાં ધાનેરાના ધારસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય નથાભાઈ પટેલ સહિત ભાજપ કોંગ્રેસના આગેવાનો કાર્યક્રતાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ધરણા પર બેસી પોતાનો વિરોધ જતાવ્યો હતો.
ધાનેરાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે સંકળાયેલા છે. પાલનપુર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં તેઓ વ્યવસાય ધરાવે છે. તેમજ સામાજિક રીતે પણ બનાસકાંઠા સાથે સંકળાયેલા છે. જોકે થરાદ તેમનાથી બહુ જ દૂર પડે છે અને અગવડતા ઊભી થશે તેવું ધાનેરાવાસીઓ જણાવી રહ્યા છે. ત્યારે આજે ધાનેરામાં આજે હિત રક્ષક સમિતિ ધાનેરા દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માગ સાથે ધરણા કાર્યક્રમ યોજી સરકાર સમક્ષ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટેની માગ ઉગ્ર કરી છે અને જો આગામી દિવસોમાં ધાનેરા વાસીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો ટ્રેકટરો લઈને ગાંધીનગર સુધી પહોંચી વિધાનસભાનો ઘેરાવ કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.