અમદાવાદ: પ્રસિધ્ધ હિન્દી કહેવત "બિના લહેરે ટકરાયે નાવ પાર નહિ હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી....." ગંગા મુંડેના કિસ્સામાં સાચી ઠરે છે. કાળુપુર રેલવે સ્ટેશનથી બિનવારસી મળી આવેલ ગંગા ઉર્ફે ગાયત્રી મુંડેએ અપાર સંઘર્ષ વેઠી, અનેક પડકારોનો સામનો કરીને ગૂજરાત વિદ્યાપીઠમાં એમએસડબ્લ્યુમાં એડમિશન મેળવ્યું છે. તેણી પાસે સામાન્ય ફી ભરવાના પણ પૈસા નહતા છતાં હિમ્મત હાર્યા વગર આજે ચોકકસ મુકામ સુધી પહોંચી છે. તો ચાલો જાણીએ ગંગાની સંઘર્ષભરી યાત્રાને વિગતવાર.
સમગ્ર ઘટનાક્રમઃ વર્ષ 2008ના એપ્રિલમાં અમદવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર અંદાજીત 8 વર્ષની બાળકી રડતી હતી. પ્રવાસીઓએ આ રડતી બાળકીની માહિતિ આરપીએફ જવાનને આપી હતી. આરપીએફ જવાનો રડી રહેલી બાળકીને પોલીસ ચોકીએ લઈ ગયા હતા. બાળકીને પાણી અને નાસ્તો આપી શાંત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે પુછપરછ શરૂ કરી હતી. બાળકીએ પોતાનુ નામ ગાયત્રી મુનાય મુંડે હોવાનુ જણાવ્યું હતું. પોતે સુરતથી કાકા સાથે આવી હોવાનું જણાવ્યું હતું. રેલવે સ્ટેશન પર કાકાની શોધ કરવા છતા તેમની કોઈ ભાળ મળી ન હતી. ગાયત્રીને ઓઢવ જુવેનાઈલ હોમ ફોર ગર્લ્સમાં દાખલ કરાઈ હતી. તેના પરિવારની શોધખોળ માટે પોલીસે સુરતમાં ખૂબ પ્રયાસો કર્યા હતા. જો કે પરિવારની કોઈ ભાળ મળી ન હતી. ગાયત્રીને પાલડી વિકાસ ગૃહમાં મોકલવામાં આવી હતી. પાલડી વિકાસ ગૃહમાં ધો.1 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સંસ્થામાં તેણે ધો.1 થી 12 સુધી અભ્યાસ કર્યો હતો. ધો.12 સુધી અભ્યાસ પૂર્ણ થયા બાદ ગાયત્રી(ગંગા)ને આગળ અભ્યાસ કરવો હતો. નવ ગુજરાત કોલજમાં તેણીએ બીએ પૂર્ણ કર્યુ હતું.કોરોના લોકડાઉન દરમિયાન ગંગાએ ગૃહમાતા કિશોરીબેનના મોબાઇલમાં અભ્યાસ કર્યો હતો. ગંગાએ મોબાઈલ પર અભ્યાસ કરીને કોલેજની પરીક્ષાઓ પાસ કરી હતી. ત્યારબાદ તેણીએ વધુ અભ્યાસ માટે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં એમએસડબલ્યુમાં પ્રવેશ મેળવ્યો છે.