આવધા ગામ નજીક ઘાયલ દીપડાનું વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ (Etv Bharat Gujarat) વલસાડ: આવધા ગામમાં રહેતા એક સ્થાનિક રહીશ ગામમાંથી પસાર થતી માન નદી કિનારેથી પસાર થઈ રહ્યો હતો. માન નદી કિનારે આવેલ જંગલ ઝાડીઓમાં એક દીપડો ભૂંડને પકડવા મૂકવામાં આવેલ પાસમાં પડેલ જોવા મળ્યો હતો. સ્થાનિક યુવક સામે માન નદીના તટ વિસ્તારમાં દીપડો દેખાતા તાત્કાલિક નદીના તટ વિસ્તારમાં રહેતા પશુ પલાકો અને સ્થાનિક લોકોને દીપડાની હાજરી અંગે માહિતગાર કર્યા હતા.
વન વિભાગની ટીમને જાણ કરાઇ: સ્થાનિક અગ્રણીઓ અને ગામના લોકોએ તાત્કાલિક વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. રહીશોએ વન વિભાગના આવધા રાઉન્ડના ફોરેસ્ટર કૌલવ પટેલનો સંપર્ક સાંધ્યો હતો. જે બાદ RFO હિરેન પટેલના નેતૃત્વમાં વન વિભાગની ટીમે માન નદીના તટ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાની શોધખોળ હાથ ધરી હતી. વન વિભાગની એક ટીમને માન નદીના તટ વિસ્તારમાં આવેલા વાસના ઝાડમાં સંતાયેલા દીપડાને શોધી કાઢ્યો હતો.
ઘાયલ દીપડાનું વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ (ETV Bharat Gujarat) વન વિભાગની જાળમાંથી છટકી માનવ વસ્તી ઘરમાં ભરાયો: વન વિભાગની ટીમે દીપડાને જાળમાં પૂરવા ઘેરાવો કરતા દીપડો ત્યાંથી માનવ વસ્તી તરફ ભાગી ગયો હતો. નજીકમાં આવેલા એક સ્થાનિકના ઝૂંપડાની પેંજારીમાં દીપડો જતો રહ્યો હતો. વન વિભાગની રેસ્ક્યુ ટીમ પણ દોડતી સ્થાનિક વ્યક્તિના ઝૂંપડા પાસે દોડી ગઈ હતી. ઝૂંપડાને ચારે બાજુથી કોડર્ન કરી લેવામાં આવ્યું હતું. જે બાદ દીપડાને જાળ તરફ લાવવાનો પ્રયાસ કરતા વન કર્મી ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ઘાયલ દીપડાનું વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ (ETV Bharat Gujarat) કલાકોની જહેમત બાદ દીપડાનું રેસ્કયું કરાયું:વન વિભાગના કર્મચારીઓની ચપળતાને લઈને બચાવ થયો હતો. છેવટે દીપડો જાળમાં પુરાઈ ગયો હતો. વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પુરી ધરમપુર પશુ ચિકિત્સક પાસે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં કૌલવ પટેલ, શકિતસિંહ ચાવડા, વસંત પાડવી, તથા જીવદયા પ્રેમી નીરજ પટેલ, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના ટીમના રેસ્ક્યુઅર મુકેશ વાયડ, મંગુ પાડવી જોડાયા હતા.
પકડાયેલ દીપડો 3 વર્ષનો કદાવર: આવધા ગામેથી રેસ્ક્યું કરવામાં આવેલો દીપડો ત્રણ વર્ષીય હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત દીપડાને સૂઝબુઝથી રેસ્ક્યુ કરી ધરમપુર ખાતે પાંજરામાં લાવી પશુ તબિબ પાસે સારવાર કરાવી હતી. હાલ દીપડાની હાલત સ્વાસ્થ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Madhya Pradesh News: ફરી એકવાર કુનોથી ભાગ્યો 'ઓવન', જાણો કેમ નથી કરવામાં આવતું ચિતાનું રેસ્ક્યુ