મોરબી :શહેરના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. અગાઉ સ્થાનિક પોલીસ અને CIDએ તપાસ કર્યા છતાં નવ વર્ષમાં હજુ હત્યારા પકડાયા નથી કે હત્યાનું કારણ પોલીસ જાણી શકી નથી. જેથી પરિવારે CBI તપાસ માંગી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી છે. હાઇકોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો હુકમ કર્યો છે.
નિખિલ હત્યા કેસ :આશરે 9 વર્ષ પહેલા 15 ડિસેમ્બર, 2015 ના રોજ શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના 13 વર્ષીય પુત્ર નિખિલ તપોવન વિદ્યાલયમાંથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ન હતો. આથી પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક ઇસમ બ્લેક એક્ટિવામાં અપહરણ કરી જતો જોવા મળ્યો હતો. બાદમાં રામઘાટ પાસે કોથળામાં વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું પણ પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું.