બનાસકાંઠા: દાંતા તાલુકા વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. દાંતા તાલુકા વિસ્તારના મહત્તમ માર્ગો વળાંકો અને ઢાળવાળા હોય અવારનવાર અકસ્માતોની ઘટના પણ સામે આવતી હોય છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત દાંતા પાલનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
2 લોકોના મોત:દાંતા પાલનપુર હાઇવે પર શ્રમિકોને લઈ જલોત્રા જઈ રહેલ ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ગાડી ડિવાઇડર પર ચડી પલટી મારી હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અક્સ્માતમાં ઇજા પામેલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે પાલનપુર હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં હતા.