દુબઈ: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ગુરુવારે (17 ઓક્ટોબર) દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં આફ્રિકાની ટીમે 8 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રસપ્રદ વાત એ છે કે, આફ્રિકાએ મહિલા ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. છેલ્લા 15 વર્ષમાં (5600 દિવસ) આ પ્રથમ વખત છે જ્યારે કાંગારુ મહિલા ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. છેલ્લી લીગ મેચમાં કાંગારૂઓએ ભારતને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ફાઇનલ મેચ:
મહિલા ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ શુક્રવારે (18 ઓક્ટોબર) ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે રમાશે. જે ટીમ આ મેચ જીતશે તેનો મુકાબલો ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે (20 ઓગસ્ટ) દુબઈમાં યોજાશે.
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બીજી વખત બહારઃ
આ વખતે કંઈક આવું જ મહિલા ટી20 વર્લ્ડ કપમાં થયું છે, જે અગાઉ 2009ની સિઝનમાં થયું હતું. હકીકતમાં, 2009 થી અત્યાર સુધી 8 મહિલા T20 વર્લ્ડ કપ થયા છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 6માં જીત મેળવી છે. 2016ની સિઝનમાં તેઓ માત્ર એક જ વખત ફાઇનલમાં હાર્યા છે. 2009ની સીઝનમાં ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. આ પછી બીજી વખત એવું બન્યું છે કે કાંગારુ ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે ચોકર્સ નામની દક્ષિણ આફ્રિકાની ટીમે ઈતિહાસ રચ્યો છે.
આફ્રિકાએ કાંગારૂઓને કેવી રીતે હરાવ્યું:
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કાંગારૂઓએ 5 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન બેથ મૂનીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. એલિસ પેરીએ 31 રન અને કેપ્ટન તાહિલા મેકગ્રાએ 27 રન બનાવ્યા હતા. આ પછી 135 રનના ટાર્ગેટનો જવાબ આપતા સાઉથ આફ્રિકાએ 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા માટે એન બોશે 48 બોલમાં અણનમ 74 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. કેપ્ટન લૌરા વોલવર્ડે પણ 42 રન બનાવ્યા હતા.