પલ્લેકેલે: શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે એટલે કે 17 નવેમ્બરે રમાશે. બંન્ને ટીમો વચ્ચેની મેચ પલ્લેકેલેના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. પ્રથમ ODI મેચમાં શ્રીલંકાની ટીમે DLS નિયમો હેઠળ ન્યૂઝીલેન્ડને 45 રનથી હરાવ્યું હતું. આ સાથે શ્રીલંકાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ચારિથ અસલંકા આ શ્રેણીમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરશે અને ઝીલેન્ડની આગેવાની મિશેલ સેન્ટનર કરી રહ્યા છે.
કેવી રહી પ્રથમ મેચમાં?:
પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાના કેપ્ટન ચરિત અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 49.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 324 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 143 રનની સૌથી વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ દરમિયાન કુસલ મેન્ડિસે 128 બોલમાં 17 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે જોરદાર બેટિંગ કરતા માત્ર 80 બોલમાં 88 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ 27 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 175 રન જ બનાવી શકી હતી.
ન્યૂઝીલેન્ડનો શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ:
પ્રથમ મેચ હાર્યા બાદ ન્યુઝીલેન્ડ હવે શ્રેણીમાં પરત ફરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ શ્રીલંકાની ટીમ શ્રેણી પર કબ્જો કરવા માંગશે. શ્રીલંકાએ પ્રથમ મેચમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ટીમનો ટોપ ઓર્ડર મજબૂત દેખાઈ રહ્યો છે, જેમાં કેપ્ટન ચરિત અસલંકાએ મિડલ ઓર્ડરમાં ઝડપી રન બનાવ્યા છે. મહિષ તિક્ષાના અને જ્યોફ્રી વાન્ડરસે જેવા સ્પિનરોએ બોલિંગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. વિલ યંગ (48) અને ટિમ રોબિન્સન (35)એ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેન હેનરી નિકોલ્સ, માર્ક ચેપમેન અને ગ્લેન ફિલિપ્સ નિષ્ફળ રહ્યા હતા. બોલિંગમાં જેકબ ડફીએ 3 વિકેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ અન્ય બોલરો બહુ અસરકારક સાબિત થયા ન હતા.
બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ:
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 103 મેચ રમાઈ છે. આ દરમિયાન ન્યુઝીલેન્ડનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડે 102માંથી 52 મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ 42 મેચ જીતી છે. આ ઉપરાંત 8 મેચમાં કોઈ પરિણામ આવ્યું હતું નહીં અને 1 મેચ ટાઈ થઈ હતી. છેલ્લી વખત નવેમ્બરમાં બેંગલુરુમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 લીગ મેચમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામસામે હતા. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટે હરાવ્યું. હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો ન્યુઝીલેન્ડની ટીમ ઘણી મજબૂત છે.
પિચ રિપોર્ટ:
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે પલ્લેકેલેમાં રમાશે. પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બેટ્સમેનોને ઘણી મદદ મળે છે. આ પિચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 310-350ની વચ્ચે હોઈ શકે છે. આ મેદાન પર ઝડપી બોલરોને વિકેટ લેવામાં થોડી મુશ્કેલી પડી શકે છે, જ્યારે સ્પિન બોલરોને પિચમાંથી મદદ મળી શકે છે. જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ પિચ ધીમી પડી શકે છે, જેના કારણે રન બનાવવા મુશ્કેલ બને છે. આ પીચ પર છેલ્લી 10 મેચોમાં 60 વિકેટ ઝડપી બોલરોએ લીધી છે જ્યારે 49 વિકેટ સ્પિનરોએ લીધી છે. આ મેદાન પર ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય પીછો કરતી ટીમોએ છેલ્લી ચાર મેચ જીતી છે.
- શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ODI મેચ 17 નવેમ્બરના રોજ પલ્લેકેલેના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં IST બપોરે 2:30 વાગ્યે રમાશે. જ્યારે ટોસનો સમય અડધો કલાક વહેલો રહેશે.
- ભારતમાં શ્રીલંકા - ન્યુઝીલેન્ડ ODI સિરીઝ 2024 ભારતમાં Sony સ્પોર્ટ્સ ટેન ફાઇવ અને Sony સ્પોર્ટ્સ ટેન ફાઇવ HD ટીવી ચેનલો પર પ્રસારિત થશે. આ સિવાય આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ અને ફેનકોડ એપ પર ઉપલબ્ધ હશે. આ સ્થિતિમાં, ચાહકો અહીંથી બીજી વનડે મેચનો આનંદ માણી શકશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ 11:
શ્રીલંકા: પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચરિત અસલંકા (કેપ્ટન), જેનિથ લિયાનાગે, કામિન્દુ મેન્ડિસ, મહિષ તિક્ષાના, જ્યોફ્રી વાન્ડરસે, દિલશાન મદુશંકા, અસિથા ફર્નાન્ડો.
ન્યુઝીલેન્ડ: વિલ યંગ, ટિમ રોબિન્સન, હેનરી નિકોલ્સ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મિશેલ હે (વિકેટકીપર), નાથન સ્મિથ, ઈશ સોઢી, જેકબ ડફી.
આ પણ વાંચો:
- સંજુ સેમસને મચાવી ધૂમ, T20 ના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ખેલાડી નથી બનાવી શક્યો આ રેકોર્ડ…
- વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પ્રથમવાર યોજાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, જાણો આ સ્ટેડિયમની ખાસિયતો...