કોલકાતા: પશ્ચિમ બંગાળની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસનો વિવાદ અટકવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. EDએ આજે શુક્રવારે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDની ટીમોએ 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે. આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના સંબંધીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, 9 ઓગસ્ટની સવારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાના આરોપી સંજય રોયની ધરપકડ કરી છે. સાથે જ CBI આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. આ બળાત્કાર-હત્યા કેસ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. કોલકાતામાં એક વિદ્યાર્થી સંઘે પણ નબન્નામાં માર્ચ કાઢીને વિરોધ કર્યો હતો. આ માટે સમગ્ર શહેરમાં લગભગ 6 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે નબન્ના કૂચને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના શેલ છોડ્યા.