લખનૌઃઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે એટા લોકસભા બેઠકની ચૂંટણી દરમિયાન એક મતદાન મથક પર એક યુવક વારંવાર મતદાન કરવાના મામલામાં કડક કાર્યવાહી કરી છે. આ મતદાન મથકના તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ચૂંટણી પંચે આ મતદાન મથક પર ફરીથી ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. આ મામલે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરીને ચૂંટણી પંચને કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું. આરોપી યુવક સતત સાત વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપતો જોવા મળ્યો હતો. આ મામલે વિપક્ષી દળોએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. આ પછી ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ ઘણી વખત મતદાન કર્યું હોવાનો વીડિયો સર્ક્યુલેટ થયો છે. ઘટનાને લઈને અનેક મુદ્દાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે એફઆઈઆર એટા જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
તેમણે કહ્યું કે વીડિયોમાં જે વ્યક્તિ ઘણી વખત વોટિંગ કરતો જોવા મળે છે તેની ઓળખ ખીરિયા પમરાન ગામનો રહેવાસી રાજન સિંહ તરીકે થઈ છે, અને પોલીસે તેની ધરપકડ કરી છે. મતદાન પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે સંબંધિત મતદાન મથકમાં ફરીથી મતદાન કરાવવાની ભલામણ ECIને કરવામાં આવી છે. યુપીના બાકીના તબક્કામાં, તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મતદાર ઓળખની પ્રક્રિયાને સખત રીતે અનુસરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.