ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ : "દર વર્ષે વિશ્વમાં 7 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે" - World Suicide Prevention Day

આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જેનો કોઈને કોઈ સભ્ય શિક્ષણ, નોકરી, બીમારી, સંબંધો, આર્થિક સંકટ અને અન્ય કારણોસર દબાણમાં ન હોય. ઘણી વખત લોકો તેને સહન નથી કરી શકતા અને આત્મહત્યા કરી લે છે. ભારતમાં આત્મહત્યાનો દર 2022માં વધીને 12.4 પ્રતિ 1,00,000 થયો છે, જે દેશમાં અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ દર છે. વાંચો સંપૂર્ણ સમાચાર...International Suicide Prevention Day 2024

આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ
આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 9:51 AM IST

હૈદરાબાદ :દરેક આત્મહત્યા અકાળે એક વ્યક્તિનો જીવ લઈ લે છે અને તેનો પ્રભાવ નિરંતર રહે છે, જે કુટુંબ, મિત્રો અને સમુદાયોના જીવનને અસર કરે છે. તાજેતરના વર્ષોમાં કિશોરીઓ અને યુવતીઓમાં આત્મહત્યાનું પ્રમાણ લગભગ બમણું થયું છે. એવો અંદાજ છે કે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે 7,00,000 થી વધુ લોકો આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસને 'ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઇડ પ્રિવેન્શન' (IASP) દ્વારા સમર્થન આપવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક જાગૃતિ કેળવવાનો છે કે, "આત્મહત્યા અટકાવી શકાય છે".

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ :આ વર્ષની થીમ "આત્મહત્યા પર વર્ણન બદલવું" અને "વાર્તાલાપ શરૂ કરવા" માટે પગલાં પર ભાર મૂકે છે. આ થીમ આત્મહત્યા વિશે ખુલ્લી ચર્ચા કરવાના મહત્વ પર ભાર મૂકે છે. જે પીડિતોને મૌનની દિવાલો તોડી અને ટીકાની ચિંતા કર્યા વિના તેમની લાગણીઓ વ્યક્ત કરવા વિનંતી કરે છે. આત્મહત્યા વિશેની ચર્ચા પડકારરૂપ હોઈ શકે છે, તેમ છતાં તે મહત્વપૂર્ણ છે અને જીવન બચાવવાની ક્ષમતા ધરાવે છે.

ઈતિહાસ :વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની સ્થાપના 2003માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે મળીને ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવી હતી. દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા, કલંક ઘટાડવા તથા સંસ્થાઓ, સરકાર અને લોકોમાં જાગૃતિ લાવવાનો તેનો ઉદ્દેશ્ય છે, જેનો એક જ સંદેશ છે : "આત્મહત્યા અટકાવી શકાય છે".

આત્મહત્યા અંગે મુખ્ય તથ્યો :

  • દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યાના કારણે મૃત્યુ પામે છે.
  • આત્મહત્યાનો પ્રયાસ કરનાર લોકોની સંખ્યા તેથી પણ વધુ છે. આત્મહત્યાનો પ્રયાસ એ સામાન્ય રીતે આત્મહત્યા માટે નોંધપાત્ર જોખમ પરિબળ છે.
  • 15-29 વર્ષની વયના લોકોમાં આત્મહત્યા મૃત્યુનું ચોથું મુખ્ય કારણ છે.
  • વૈશ્વિક આત્મહત્યાના 77 ટકા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે.
  • જંતુનાશક દવા, ગળે ફાંસો અને અગ્નિસ્નાન એ વૈશ્વિક સ્તરે આત્મહત્યાની સૌથી સામાન્ય પદ્ધતિઓ છે.
  • વિશ્વભરમાં સૌથી વધુ આત્મહત્યા કરવાનો કમનસીબ રેકોર્ડ ભારતમાં છે.
  • નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના (NCRB) એક રિપોર્ટમાં અનુસાર ભારતમાં 2022માં 1.71 લાખ લોકો આત્મહત્યાથી મૃત્યુ પામ્યા હતા.

ઉચ્ચ આત્મહત્યા દર ધરાવતા રાજ્યો : તાજેતરના NCRB રિપોર્ટ (2022) મુજબ હિમાલયના સુંદર રાજ્ય સિક્કિમમાં 43.1 ટકા વસ્તી આત્મહત્યા કરે છે. આ પછી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 42.8 ટકા, પુડુચેરીમાં 29.7 ટકા, કેરળમાં 28.5 ટકા અને છત્તીસગઢમાં 28.2 ટકા આત્મહત્યા થાય છે. રાષ્ટ્રીય સરેરાશ 12.4 ટકા છે, જેમાં 2022 માં કુલ 1,70,924 આત્મહત્યા નોંધાઈ છે. ભારતમાં આત્મહત્યાનો દર વધીને 12.4 પ્રતિ 100,000 થયો છે, જે દેશમાં અત્યાર સુધીનો સૌથી વધુ દર છે.

ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા :નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા 28 ઓગસ્ટ, 2024 બુધવારના રોજ વાર્ષિક IC3 કોન્ફરન્સ અને એક્સ્પો 2024 માં બહાર પાડવામાં આવેલ 'વિદ્યાર્થી આત્મહત્યા: ભારતમાં મહામારી' અહેવાલમાં બહાર આવ્યું છે કે, વિદ્યાર્થીઓની આત્મહત્યા વાર્ષિક 4 ટકાના દરે વધી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સૌથી વધુ સંખ્યા છે, જે કુલ પૈકી એક તૃતીયાંશ છે. દક્ષિણના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ કેસોમાં 29 ટકા હિસ્સો ધરાવે છે. રાજસ્થાન તેના સ્પર્ધાત્મક શૈક્ષણિક વાતાવરણ માટે જાણીતું છે, તે 10 મા ક્રમે છે, જે કોટા જેવા કોચિંગ સેન્ટરમાં દબાણને દર્શાવે છે.

આત્મહત્યા અટકાવવા માટે માતા-પિતા શું કરી શકે છે ?

  • જો તમને લાગે કે તમારા બાળકનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં છે, તો તેમને સાંભળો.
  • તમારું બાળક બોલતું ન હોય ત્યારે પણ સાંભળો.
  • સમજો કે તમારું બાળક આત્મહત્યાના જોખમનો સામનો કરી રહ્યું છે, જે તમે હજી સુધી ધ્યાનમાં લીધું નથી.
  • તમે જે જોઈ રહ્યાં છો તેને "કિશોરાવસ્થાના નાટક" તરીકે નજરઅંદાજ ન કરશો.
  • સહાનુભૂતિ અને સમજણ સાથે જવાબ આપો.
  • તેમને કુટુંબ અને મિત્રોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરો.

ભારતની રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના :ભારતમાં નવેમ્બર 21, 2022 ના રોજ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના (NSPS) શરૂ કરવામાં આવી. આત્મહત્યા નિવારણને જાહેર આરોગ્યની પ્રાથમિકતા બનાવવાની તે ભારતમાં પ્રથમ નીતિ છે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય 2020 ની સરખામણીમાં 2030 સુધીમાં આત્મહત્યા મૃત્યુ દરમાં 10% ઘટાડો કરવાનો છે. 2025 સુધીમાં અસરકારક દેખરેખ તંત્ર સ્થાપિત કરીને, તમામ જિલ્લાઓમાં જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા 2027 સુધીમાં આત્મહત્યા નિવારણ સેવાઓ સ્થાપિત કરીને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 2030 સુધીમાં માનસિક સુખાકારી અભ્યાસક્રમને એકીકૃત કરીને આ ધ્યેય હાંસલ કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details