નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી કરતી બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીને અન્ય બેંચમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે કહ્યું કે અરજદારો એ સમજાવવામાં નિષ્ફળ ગયા કે શું તેમને આમાં કોઈ બંધારણીય અધિકાર છે? અરજદારનું કહેવું છે કે આમાં જનહિતનો મુદ્દો સામેલ છે. આ અરજીની સુનાવણી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી બેંચ દ્વારા કરવામાં આવશે. જે બાદ કોર્ટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી અન્ય બેંચને અરજી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
સુનાવણીમાં શું દલીલો કરી?આજે સુનાવણી દરમિયાન, સુબ્રમણ્યમ સ્વામીએ પોતે પોતાની દલીલો રજૂ કરતા કહ્યું કે, તેમણે 2019માં ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો કે બેકઓપ્સ લિમિટેડ 2003માં બ્રિટનમાં રજીસ્ટર થઈ હતી. અને રાહુલ ગાંધી તે કંપનીના ડિરેક્ટરોમાંના એક હતા. કંપની દ્વારા 10 ઓક્ટોબર 2005 અને 31 ઓક્ટોબર 2006ના રોજ ફાઈલ કરવામાં આવેલા વાર્ષિક ઈન્કમ ટેક્સ રિટર્નમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટનની છે.