રાજકોટઃ વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટના એક યોગપ્રેમીની. શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 15 વર્ષથી નિઃશુલ્ક યોગની તાલીમ આપવામાં આવે છે. અહીંયા લોકો ભગવાનના દર્શનના લાભ સાથે સાથે યોગની પણ તાલીમ લે છે. આ ધારેશ્વર મંદિર ખાતે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં યોગ માટે આવે છે. તેઓ પોતાનું સ્વાસ્થ્ય સુધરે તેમજ જીવન તણાવ મુક્ત થાય તે માટે યોગા કરે છે.
મંદિર એક લોક કલ્યાણ કરવાનું સરસ માધ્યમ છે. જેના કારણે ધારેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને એવું લાગ્યું કે આપણે કોઈપણ ખર્ચ કર્યા વગર અને લોકોને તેનો ફાયદો થાય તેવું કોઈ આયોજન કરીએ. જેમાં શારીરિક અને માનસિક આ બંને દ્રષ્ટિએ લોકોને ફાયદો થાય તેના માટે મંદિરમાં જ યોગ ક્લાસ શરૂ કરી શકાય. આધ્યાત્મિકતા અને ભક્તિભાવ સાથે એક આંતરિક ઊર્જા વધારવાનું બહાનું યોગ છે. અત્યાર સુધીમાં અંદાજે 5 હજાર કરતા વધુ લોકો અહીંયા યોગની તાલીમ લઇ ચુક્યા છે.--- કિશોરભાઈ પઢિયાર (યોગગુરુ)
યોગ ભગાવે રોગ : કિશોરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ જે ભાગદોડ ભરી જિંદગી છે. જેની અંદર ખાસ કરીને યુવા વર્ગના લોકોએ યોગ કરવા જરૂરી છે. જેમાં યોગના આસનો સાથે પ્રાયણમ કરવા જોઈએ. જેના કારણે તેમનું તણાવ ભરેલું જીવન છે તે તણાવ મુક્ત થઈ શકે છે.
તાલીમાર્થીનો અનુભવ : ધારેશ્વર મંદિર ખાતે તાલીમ લઈ રહેલા જેસુરભાઈ ગુજરીયાએ પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું છેલ્લા છ વર્ષથી સતત અહીં યોગ શિબિરમાં આવું છું. જ્યારે મારા શરીરમાં પગની પાનીમાં દુખાવો અને એસીડીટી સહિતની ઘણી તકલીફ હતી. જે યોગ કરવાથી દવા વગર મને સારું થઈ ગયું છે. યોગ કરવાના ઘણા બધા ફાયદા છે. યુવા વર્ગના અને વૃદ્ધોએ ખાસ યોગ કરવા જોઈએ.