- આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધાયો વધારો
- એપ્રિલ માસમાં 8 દિવસમાં 164 દર્દી થયા સંક્રમિત
- કુલ આંક 3,252 પહોંચ્યો
- એપ્રિલ માસના 8 દિવસમાં જિલ્લામાં કુલ 112 લોકોએ આપી માત
આણંદઃ કોરોના સંક્રમણનો ભોગ કુલ 3,252 લોકો બની ચૂક્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગનું માન્ય તો 3,064 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ બન્યા છે, સરકારી ચોપડે 17 લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસના સરકારી આંકડાઓ પર નજર નાખવામાં આવે તો ક્રમશઃ 1લી એપ્રિલથી લઈ 8 એપ્રિલ સુધીમાં 164 જેટલા દર્દીઓ કોરોના સંક્રમણના ઝપેટમાં આવી સંક્રમિત બન્યા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં શુક્રવારે નવા 18 લોકો કોરોના સંક્રમિત થયા
આજ સુધીમાં 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે
આણંદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ છે. ત્યારથી આજ સુધીમાં 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે સ્મશાનભૂમિમાં અંતિમ ક્રિયા કરવા આવેલા મૃતકોનો આંકડો ખૂબ ભયાનક પરિસ્થિતિ વર્ણવી રહ્યો છે. આણંદ, કરમસદ અને વિદ્યાનગરના સ્મશાન ગૃહના આંકડા ખૂબ જ ચોંકાવનારા સામે આવી રહ્યા છે. જેમાં એપ્રિલ મહિનામાં પ્રથમ પાંચ દિવસમાં જ આણંદ કૈલાસ ભૂમિમાં 24 જેટલા મૃતકોની PPE કીટ સાથે પ્લાસ્ટિકમાં પેક કરી લાવવામાં આવેલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાનગર સ્મશાન ગૃહમાં 1 એપ્રિલથી 9 એપ્રિલ બે વાગ્યા સુધીમાં કુલ 37 મૃતદેહને પ્લાસ્ટિકની બેગમાં લાવી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, જ્યારે કરમસદ સ્મશાન ગૃહમાં 1 એપ્રિલથી 9 એપ્રિલ 2 વાગ્યા સુધીમાં કુલ 17 મૃતદેહને પ્લાસ્ટિક બેગમાં લાવી અંતિમક્રિયા કરવામાં આવી છે, આમ જિલ્લાના ફક્ત 3 સ્મશાન ગૃહના એપ્રિલ માસના પ્લાસ્ટિકની બેગમાં ભઠ્ઠીમાં અંતિમક્રિયા કાર્યના આંકડા અંદાજિત 78 થયા છે. જે મહામારીની જિલ્લામાં કોઈ અલગ જ પરિસ્થિતિ વર્ણવી રહી છે.
આણંદ જિલ્લામાં તંત્ર દ્વારા ચોપડે 17 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. તેવામાં જિલ્લામાં ફક્ત ત્રણ સ્મશાનના 8 દિવસના આંકડા સરકારી આંકડા કરતા 4.5 ઘણા વધારે મૃત્યુ બતાવી રહ્યા છે. આણંદ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને ફેલાતો રોકવા માટે ટેસ્ટ અને વેક્સિનની કામગીરી પૂરજોસમાં ચાલી રહી છે. જ્યારે કોરોનાનું સંક્રમણ પણ તેટલી જ ઝડપથી વધતું નજરે પડી રહ્યું છે.
આ પણ વાંચોઃ અરવલ્લી: કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોનો આંક 727 પર પહોંચ્યો
મૃતદેહને આસપાસના સ્મશાન ગૃહમાં ખસેડવા ફરજ પડી રહી છે
આણંદ સ્મશાન ગૃહમાં ગેસની ભઠ્ઠીનું 5 તારીખથી સમાર કામ ચાલી રહ્યું હોવાથી કોવિડ સંક્રમણ થયા બાદમાં મૃત્યુ પામેલા મૃતકના મૃતદેહને આસપાસના સ્મશાન ગૃહમાં ખસેડવા ફરજ પડી રહી છે. તેના કારણે પેટલાદ, કરમસદ, ઉમરેઠ અને વિદ્યાનગરના સ્મશાન ગૃહોમાં મૃતકોના અંતિમસંસ્કાર માટે નંબર આવ્યાની રાહ જોવા ફરજ પડી રહી છે. કોરોનાની સારવાર લેતા દર્દીઓનો આંકડો પણ ખૂબ મોટો સામે આવી રહ્યો છે.