- આમ આદમી પાર્ટીનું મધ્ય ગુજરાતના કાર્યકારોનું સંમેલન વડોદરામાં યોજાયું
- પ્રદેશ પ્રમુખ, દિલ્હીના ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
- તમામ જીલ્લા, તાલુકા તેમજ નગરપાલિકાઓના કાર્યકરોએ સંમેલનમાં હાજરી આપી
વડોદરા: મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો મેળવી ગુજરાતમાં એન્ટ્રી કરી છે. જે બાદ સર્વપ્રથમ વખત મધ્ય ગુજરાતના કાર્યકારોનું સંમેલન વડોદરામાં યોજાયું હતું. જેમાં દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અગ્રણી મનુ સોરઠીયા પણ હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવાના હેતુસર આ સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનમાં આપ પાર્ટી તમામ વૉર્ડમાં ઉમેદવારો ઉભા રાખશે, પૂર્વ શહેર કોંગ્રેસ આપમાં જોડાયા
સંગઠનને મજબૂત કરવાના આશયથી રાખવામાં આવ્યું સંમેલન
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મિશન 2022 અંતર્ગત આજે મધ્ય ગુજરાતના તમામ જીલ્લા, તાલુકા અને નગરપાલિકાઓના કાર્યકારોનું સંમેલન સંગઠનને મજબૂત કરવાના આશયથી રાખવામાં આવ્યું છે. વડોદરા સહિત ગુજરાતના કેટલાક શહેરમાં સંગઠન મજબૂત નથી. મિશન 2022માં પણ જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. તે જ રીતે વિધાનસભામાં પણ ઉમેદવારો ચૂંટણી લડશે, તેમ જણાવ્યું હતું.
શિક્ષિત યુવાઓ, મહિલાઓ સહિત કંપનીના કામદારો તેમજ ભાજપના કાર્યકરો AAPમાં જોડાયા
વડોદરામાં યોજાયેલા મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરોના સંમેલનમાં શિક્ષિત યુવાઓ, મહિલાઓ તેમજ કેટલાક ભાજપના કાર્યકરો અને સાવલી NBC કંપનીમાં કામ કરતા અને હાલાકીનો સામનો કરી રહેલા 450થી વધુ કામદારો સહિત બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ તમામને પાર્ટીની ટોપી તેમજ ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતું.