ભાવનગરમાં કરોડોના ખર્ચે બનેલા રોડ પર દબાણો થઇ ગયા છે અને પુલનું કામ પણ પૂર્ણ કરવામાં આવતું નથી. PGVCLના ગેરકાયદે ખોદકામથી રોડની હાલત ખરાબ થઇ ચુકી છે. વરસાદી માહોલની જેમ લોકો ભરાયેલા પાણી વચ્ચે વાહનો ચલાવવા મજબુર થયા છે. કરોડો ખર્ચીંને આર.સી.સી રોડ બનાવ્યા બાદ હાલાકી ખત્મ નહીં થતા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, પ્રજાના પૈસાનું પાણી કરાયું છે, તથા વિપક્ષે શાસક પક્ષ પર અણઆવડતનો આક્ષેપ કર્યો છે. તો અધિકારીઓ પોતાનો બચાવ કરવામાં લાગ્યા છે.
શહેરમાં એક તરફ શાસક પક્ષ વિકાસના કામોના ખાતમહુર્તમાં વ્યસ્ત છે તો બીજી તરફ સામાન્ય લોકોના ટેક્ષના કરોડો રૂપિયામાંથી કરવામાં આવતા કામો અધૂરા છોડી દેવામાં આવે છે. શહેરના મોતી તળાવ વિસ્તારમાંથી પસાર થતો રોડ કે જે અમદાવાદ શોર્ટ હાઇવેને મળે છે, આ રોડને લોકોની સુખાકારી માટે આર.સી.સી ફોર લાઈન રોડ બનાવામાં આવ્યો છે. પરંતુ, હાલની પરિસ્થિતિમાં કરોડોના ખર્ચે બનેલો રોડ ગાયબ થઇ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મનપા દ્વારા કોઈ પણ પ્રકારના આયોજન વગર પ્રજાના પૈસા પાણીમાં નાખવા માટે કામો થતા હોય તેમ કરોડોના ખર્ચે બનેલા રોડ પર પુલનું કામ અટકીને પડ્યું છે. ઉપરાંત ખાનગી કંપનીઓએ રોડમાં પાઈપલાઇન નાખવા માટે ખોદકામ કરીને પ્રજાના પૈસા પાણીમાં જતા હોય તેવો અહેસાસ કરાવી દીધો છે.
રોડની એક તરફ ચાલતા કામને પગલે નીકળતું પાણી રસ્તા પર ઢોળવામાં આવે છે, જેથી રસ્તા પર વરસાદી માહોલ જોવા મળે છે. જેથી લોકોને પાણીમાં ચાલવા મજબુર થવું પડે છે. આયોજનના અભાવે મહાનગરપાલિકા દ્વારા કરેલા કામોને લીધે લોકોને સુવિધાને બદલે દુવિધામાં વધારો થયો છે અને અધિકારી શાસકો અને તેમનો બચાવ કરતા હોઈ તેવા જવાબો આપી રહ્યા છે.
શહેરમાં રસ્તાના કામ પૂર્ણ થઇ ગયા પછી પી.જી.વી.સી.એલ તથા ગેસ કંપનીઓ મંજૂરી મેળવ્યા વિના રસ્તામાં ખોદકામ કરી રહી છે. છતાં પણ મનપા આંખે પાટો બાંધી ચુપચાપ જોઈ રહી છે. પ્રજા જો ટેક્ષ ન ભરી શકે તો ઢોલ વગાડીને ટેક્ષ ઉઘરાવામાં આવે છે, તથા મનપા જાહેરમાં ટેક્ષ ધારકની ઈજ્જતને ઉછાળે છે. તે જ મનપા આ કંપનીઓ વિરૂદ્ધ કેમ કોઈ જાતની કાર્યવાહી કરતું નથી.