- સાવલી તાલુકામાં બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ
- સર્વ પ્રથમ મેડિકલ ઓફિસરને 0.5ના ડોઝની રસી મુકવામાં આવી
- ભાદરવા CHC સેન્ટર ખાતે 29 મેડિકલ સ્ટાફ-રેસિડેન્ટ્સ ડૉક્ટરોએ રસી મુકાવી
વડોદરા: સાવલી તાલુકાના ભાદરવા આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનની 12 વાયલ મોકલવામાં આવી હતી. જેમાં 120 ડોઝ આપી શકાય છે. આજે શનિવારે ભાદરવા PHC સેન્ટર ખાતે ફ્રન્ટ લાઇન વોરિયર્સ જેવા કે મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, આશાવર્કર આંગણવાડીની સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર તેમજ પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા ડૉકટર સહિત 29 લોકોને રસી મૂકવામાં આવી હતી.
આંગણવાડીની બહેનોએ પણ ઉત્સાહભેર રસી મુકાવી
સર્વપ્રથમ ભાદરવા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.ધીરેન્દ્રસિંહ રાઠોડને પ્રથમ ડોઝ 0.5 મિ.લીનો તેમના કર્મચારી યોગીના કોળી દ્વારા આપવામાં આવ્યો હતો. તમામ રસી લેનારા વોરિયર્સને અલગ બેસાડીને 45 મિનિટ સુધી પરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. સૌથી સુખદ બાબત એ હતી કે, રસી મુક્યા બાદ કોઈને પણ કોઈ પણ પ્રકારનું રિએક્શન કે આડઅસર થઈ ન હતી અને તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહભેર રસીકરણ કરાવ્યું હતું.