- હરિધામ સોખડા ખાતે અનેક મહાનુભાવો દ્વારા હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં
- સતત ત્રીજા દિવસે પણ ખૂણેખૂણેથી હરિભક્તો અંતિમ દર્શનાર્થે ઉમટ્યાં
- પાર્થિવ દેહને 1 ઓગષ્ટ સુધી ભક્તોને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે
વડોદરાઃ સોખડા હરિધામના સ્વામિનારાયણ મંદિરના સંસસ્થાપક તેમજ યોગી ડીવાઈન સોસાયટીના અધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી ( Hariprasad Swami ) અક્ષરનિવાસી બનતા તેમના ભક્તો ઘેરા શોકમાં ગરકાવ બન્યા છે. તેમના પાર્થિવ દેહને 1 ઓગષ્ટ સુધી ભક્તોને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. શુક્રવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ( Speaker of Gujarat Legislative Assembly Rajendra Trivedi ) સહિત અનેક રાજકીય નેતાઓ, સંતો મહંતોએ સોખડા હરિધામ ખાતે પહોંચી સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું છે. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે.
આત્મીય શબ્દને કોઈએ ચરિતાર્થ કર્યો હોય તો હરિપ્રસાદ સ્વામીજીએ કર્યો : રાજેન્દ્ર ત્રિવેદી
હરિપ્રસાદ સ્વામીજી ( Hariprasad Swami ) સાથેના સંસ્મરણો વાગોળતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ( Speaker of Gujarat Legislative Assembly Rajendra Trivedi ) જણાવ્યું હતું કે સંતોની ખૂબી જ એ હોય છે કે જીવતેજીવ આશીર્વાદ આપતા હોય. પરંતુ સદેહના હોય આત્મા વિચરણ કરી ગયો હોય, તેમ છતાં પણ ચહેરા પર એ જ પ્રેમ,એ જ આત્મીય ભાવ આજે પણ જોવા મળ્યો.પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કર્યા.35 વર્ષ જૂનો મારે એમની સાથેનો પરિચય સંબંધ.આપણે સાંભળ્યું છે કે શબ્દોથી કોઈના વખાણ કરી શકાય કોઇને મહાન બનાવી શકાય.પરંતુ આત્મીય શબ્દને કોઈએ ચરિતાર્થ કર્યો હોય તો પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ કર્યો છે. કોઈપણ વ્યક્તિ એમને એક વાર મળે અને એ એમને ભાવ પ્રેમ જ્યારે દર્શાવે એ જીવનભર યાદ રહી જાય છે. જીવનભર ભૂલે નહીં.હિન્દુ સમાજ માટેની એમની અકબંધ પ્રેરણા, શિસ્તના આગ્રહી અને યુવાનોને એક ચેતનાનું બળ પૂરું પાડે,સાચા માર્ગે લઈ જાય એવી હંમેશની એમની વાણી આજે પણ લાખો સ્વામિનારાયણ ભક્તો તેમને યાદ કરે છે.આપણે પ્રાર્થના કરીએ છીએ કે આજે પણ સદેહ ન હોવા છતાં આત્મા વિચરણ કરે છે અને પ્રેરણા આપતો રહેશે હિન્દુ સમાજને પણ પ્રેરણા આપતો રહેશે તેમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ દિવસથી ખડેપગે ફરજ બજાવતો ગ્રામ્ય પોલીસનો જવાન ચક્કર આવતા પડી ગયો
હરિધામ સોખડા ખાતે રોજબરોજ મોટી સંખ્યામાં અનેક દિગ્ગજ નેતાઓ તેમજ હરિભક્તો સ્વામીજીના ( Hariprasad Swami ) અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે.આવા સમય ટાણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છેલ્લા 80 કલાક ઉપરાંતના સમયથી ગ્રામ્ય પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે.જેથી દર્શનાર્થે આવનાર કોઈપણ હરિભક્તને તકલીફ ન પડે. ત્યારે સતત કામના ભારણથી પોલીસ જવાનો સ્ટ્રેસમાં આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું.શુક્રવારે વડોદરા ગ્રામ્ય પોલીસના જવાન વિપુલ પારધીને ચાલુ ફરજે ચક્કર આવતા પડી ગયો હતો. તરત જ હાજર સેવકો દ્વારા તેમને ખુરશી આપી બેસાડી દેવામાં આવ્યાં હતાં.તેમને બીપીની બીમારી હોવાથી શરીર અશક્ત બન્યું હોવાથી આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ હરિધામ સોખડા ખાતે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે કોંગ્રેસ, BJP નેતા પહોંચ્યા
આ પણ વાંચોઃ કુંવરજી બાવળિયા વડોદરાના હરિધામના સોખડા ખાતે પહોંચ્યા