સુરત : સુરતમાં લોકોને સોશિયલ મીડિયા પર મૂકવા માટે વિડીયો બનાવવા માટે નટુકાકાની રિંગવાળી બાઇક નવું નજરાણું થઇ પડી છે. પોતાનું ઓટો ગેરજ ધરાવતાં 64 વર્ષના મિકેનિક નટુભાઇ પટેલે પોતાની વિચારશક્તિથી એવી બાઇક બનાવી છે જેને જોયા વિના તેના આકારની કલ્પના કરવી મુશ્કેલ બની રહે. તેમણે બનાવેલી ઈ બાઈકની ખાસિયત શું છે, કેવી રીતેે આવી ડિઝાઇન સૂઝી, બેટરી ચાર્જમાં કેટલા કિલોમીટર સુધી ચાલે છે અને કેટલો ખર્ચ થયો છે તેવા અનેક સવાલો લઇને ઈટીવી ભારત સંવાદદાતા તેમની પાસે પહોંચ્યાં હતાં.
રિંગ ઈ બાઈકનો વિડીઓ વાયરલ : સુરતના જ નહીં પરંતુ દેશમાં કેવો વિડીઓ ક્યારે વાયરલ થાય છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલ સુરતના સોશિયલ મીડિયામાં એક રિંગ ઈ બાઈકનો વિડીઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયો 65 વર્ષીય ગેરેજનું કામ કરતા નટુભાઈ પટેલનો છે. જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં રહે છે. રિંગવાળી બાઇક નટુભાઈએ જાતે બનાવી છે. નટુભાઈ છેલ્લા 40 વર્ષથી ગેરેજના કામ સાથે સંકળાયેલા છે. તેમની રિંગવાળી બેટરી બાઈકમાં 30ની સ્પીડ અને 30 કિલોમીટર સુધી ચાલે છે.
મને કંઈ કરવાની ઈચ્છા હતી જેને કારણે મેં રિંગ ઈ બાઈક બનાવી છે. મને આવો વિચાર આવ્યો કેમ કે, લોકો પાસે આવી અલગ ઈ બાઈક નથી. જેથી બનાવાનો વિચાર આવ્યો. હું બહાર નીકળું છું તો લોકો મને સરસ બાઈક બનાવી છે એમ કહીને હાથ બતાવીને જાય છે. અમને પણ એક રાઉન્ડ આપો ચલાવા માટે અને અમને આવી રિંગ ઈ બાઈક બનાવી આપજો એમ પણ કહે છે. આ બેટરી બાઈક છે જેમાં 30ની સ્પીડ છે અને 30 કિલોમીટર સુધી ચાલે છે. આ બાઈક બનાવતા છૂટક ખર્ચ સાથે 85 હજાર રૂપિયાનો થયો છે. મને ચલાવા માટે 5 થી 7 રૂપિયાનો ખર્ચો લાગે છે. બાઈક બનાવતા ચાર મહિના લાગ્યા છે...નટુભાઈ પટેલ(રિંગવાળી ઇબાઇક બનાવનાર)
લોકોનું ધ્યાન ખેંચતી રિંગવાળી ડિઝાઇન : નટુભાઇને અચાનક એક વિચાર આવ્યો કે એ કંઈ યુનિક બાઇક બનાવે જેનાથી લોકો આકર્ષિત થાય. જે બાદ નટુભાઈએ એક રિંગવાળી બેટરીથી ચાલતી બાઈક બનાવી કાઢી. નટુભાઈ આ બાઈક લઈને જ્યારે રોડ પર નીકળતા હોય છે ત્યારે લોકો બાઈક જોવા માટે ઊભા રહી જાય છે અને અનેક વાહન ચાલકો નટુભાઈની રિંગવાળી બાઇક પાસેથી પસાર થતા હોય છે ત્યારે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.
આવી ડિઝાઇન કેવી રીતે સૂઝી : નટુભાઇએ બહુ વર્ષો પહેલાં કોઇ પરદેશી ફિલ્મ જોઇ હતો જેમાં આ પ્રકારની બાઈક જોઈ હતી. તે બાઈક તેમના દિમાગમાં બેસી ગઈ હતી. તેમણે આ વિશે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં 35 થી 40 વર્ષ પહ્લા ઈગ્લીશ પિક્ચરમાં આ પ્રકારની બાઈક જોઈ હતી અને તે બાઈક મારા દિમાગમાં બેસી ગઈ હતી. જેથી આ બાઈક મેં બનાવી છે. હું પોતે જ ઓટો છેલ્લા 42 વર્ષથી ગેરેજ ચલાવું છું પોતે જ મેકેનિક પણ છું એટલે હું દરેક પ્રકારની ટૂ વ્હીલ રીપેરીંગ કરું છું. મારી પાસે મોટું નહીં પરંતુ નાનું ગેરેજ છે. મને આવી બાઈક બનાવી આપવા તો ઘણી બાઈક કંપનીઓ પાસેથી ઓડૅર આવ્યો છે. પરંતુ મારે બનાવવી નથી. મારી આજે 64 વર્ષની ઉમર થઇ ગઈ છે અને મારી પાસે સમય પણ હોતો નથી.