દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. તો સુરત જિલ્લામાં વરસાદના કારણે હાલ કોઝવે ભયજનક સપાટીએ એટલે કે 6 મીટર ઉપર વહી રહ્યો છે. જેના કારણે વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવીએ તો, કોઝવેની સપાટી 6 મીટરે પહોંચી છે. તેમજ ભારે વરસાદને કારણેે ઉકાઇમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઇની સપાટી 280.28 ફૂટ છે. જેમાં 16,843 ક્યુસેક પાણીની આવક છે તો 600 જેટલા ક્યુસેક પાણીની જાવક છે. જ્યારે કાકરાપારની સપાટી 159.00 ફૂટ છે.