રાજકોટ: ઉપલેટા શહેરમાં સમસ્ત આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરના કૃષ્ણ કેક ઓઇલ મીલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સમુહ લગ્નોત્સવમાં વીસ નવદંપતિઓે પ્રભુતામાં પગલા પાડ્યાં હતાં. જ્યારે આ સમૂહ લગ્ન મહોત્સવમાં આહીર સમાજના આગેવાનો, અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. હજારોની સંખ્યામાં લોકોની હાજરીમાં સંપન્ન થયેલા આ સમૂહ લગ્નમાં નવદંપત્તિઓને આશીર્વાદ અને આશીર્વચનની વર્ષા થઈ હતી. આ સમૂહ લગ્ન મહોત્સવમાં જાનના સામૈયા દરમિયાન આહીર સમાજના પુરૂષો અને મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા, જ્યારે આ સમૂહ લગ્નના સામૈયા જોવા માટે તેમજ આ સમૂહ લગ્નમાં સહભાગી થવા માટે લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સમુહ લગ્નનું સફળ આયોજન: ઉપલેટા આહીર સમાજના માજી પ્રમુખ ડો. પ્રવીણ ભેડાએ જણાવ્યું હતું કે, ઉપલેટા શહેરમાં સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ આ તૃતીય સમૂહ લગ્નની અંદર સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આ આયોજનમાં વીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, હતા ત્યારે આ ઉત્સવની અંદર સૌ કોઈ સ્વયંસેવકો, આગેવાનો અને કાર્યકર્તાઓની સફળ મહેનત અને જહેમત બાદ આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો હતો.
બે મહિનાથી ચાલતી હતી તૈયારી: આહીર સમાજના આગેવાન ભાદાભાઈ બોરખતરીયાએ જણાવ્યું છે કે, ઉપલેટા શહેરમાં યોજાયેલ આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું હતું, જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારો તેમજ તાલુકાના ગામડે-ગામડે આ સમૂહ લગ્ન માટેની તૈયારીઓ માટે મિટિંગો ચાલતી હતી જેના પરિણામે ઉપલેટા શહેરમાં એકી સાથે વીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જેમાં આગેવાનો, અગ્રણીઓ તેમજ અન્ય સમાજના લોકોએ ઉપસ્થિત રહીને તમામ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતાં.