રાજકોટ : તાજેતરમાં જ રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલ અંદાજિત 30 વર્ષ જૂના વોકળા પર કરવામાં આવેલા બાંધકામનો સ્લેબ તૂટી પડતા એક મહિલાનું મોત થયું હતું. ત્યારે હવે રાજકોટમાં વિવિધ વોકળા ઉપર કરવામાં આવેલા બાંધકામ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને જોવા મળી રહ્યા છે. આ મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા રાજકોટ મનપા પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેની સામે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ચેરમેન જયમીન ઠાકરે તંત્રનો પક્ષ મૂક્યો હતો.
કોંગ્રેસ નેતાના આક્ષેપ : કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનના અધિકારીઓ આ પ્રકારની ઘટના બાદ જ જાગૃત થતા હોય છે. ત્યાં સુધી તેઓ ઘોર નિંદ્રામાં સુઈ જતા હોય છે. જ્યારે ગત 24 તારીખના રોજ સર્વેશ્વર ચોકમાં જે પ્રકારની દુર્ઘટના બની ત્યાર પછી કોર્પોરેશન તંત્ર જાગૃત થયું છે. પરંતુ તેમાં પણ જોઈએ તેટલા પ્રમાણમાં જાગૃતતા આવી નથી. કારણ કે રાજકોટમાં હજુ પણ ઘણી બધી સ્કૂલ, હોસ્પિટલ અને બિલ્ડીંગ જૂના વોકળા ઉપર ઉભી છે.
ગત 24 તારીખના રોજ સર્વેશ્વર ચોકમાં જે પ્રકારની દુર્ઘટના બની ત્યાર પછી કોર્પોરેશન તંત્ર જાગૃત થયું છે. આ બાંધકામ મામલે તાત્કાલિક કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવી જોઈએ. -- મહેશ રાજપૂત (કોંગ્રેસ નેતા)
વિપક્ષનું સુચન : આ મામલે મહેશ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવી કોઈ દુર્ઘટના બને ત્યારબાદ કોર્પોરેશન તંત્ર જાગતું હોય છે. એવામાં રાજકોટમાં પણ આવું જ થયું છે. જ્યારે વર્ષો જૂના બાંધકામને લઈને કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાંધકામ મામલે તાત્કાલિક કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવી જોઈએ. જ્યારે વિવિધ બિલ્ડિંગોમાં એસોસિયેશનની રચના પણ તાત્કાલિક કરવામાં આવે, જેના કારણે આ બિલ્ડીંગની જવાબદારી જે તે વ્યક્તિને સોંપી શકાય. ઉપરાંત બિલ્ડીંગના પ્રમુખ-ઉપપ્રમુખ સાથે જો પત્ર વ્યવહાર કરવો હોય તો સહેલાઈથી થઈ શકે.
કોર્પોરેશન તંત્ર દ્વારા આ મામલે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે મનપા દ્વારા સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ માટે એસોસિએશનને નોટિસ પાઠવી છે. -- જયમીન ઠાકર (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાજકોટ મનપા)
તંત્રનો ખુલાસો : બીજી તરફ આ મામલે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પલેક્ષમાં જે પ્રકારનો બનાવ બન્યો છે. ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દ્વારા આ મામલે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે મનપા દ્વારા સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ માટે એસોસિએશનને નોટિસ પાઠવી છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પ્રત્યુતર આવ્યો નથી. ત્યારે આ બાંધકામનો રિપોર્ટ આવ્યા બાદ જ કોર્પોરેશન દ્વારા આગામી કામગીરી કરી શકાશે.
શહેરમાં કેટલા વોકળા પર બાંધકામ : જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, આજથી 30 થી 35 વર્ષ પહેલા એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે, કોઈપણ પાર્ટીનો પ્લોટ હોય અને તેના પ્લોટની નજીકથી આ પ્રકારના વોકળા હોય છે. જ્યારે આખે આખા વોકળા ઉપર ક્યાંય પણ બાંધકામ રાજકોટમાં ખૂબ ઓછું જોવા મળે છે. પરંતુ અંદાજિત 14 જેટલા વોકળા ઉપર નાનું-મોટું બાંધકામ કરવા માટેની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. તેનું વેચાણ હરાજી મારફતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ તમામ વોકળા ઉપર જ્યાં બાંધકામ છે તેમને પણ સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટ તાત્કાલિક આપવા અમે લેખિત જાણ કરવાના છીએ.