રાજકોટ પોલીસ આજે વહેલી સવારથી વિવિધ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી હતી. જેમાં 3 હજાર લિટર દેશી દારૂ અને આથાનો નાશ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, જિલ્લાના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના એક નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં કેટલાક લોકો ઝડપાયા હતાં. ચોટીલા- અમદાવાદ હાઇવે પર આવેલી નામાંકિત ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત પોલીસ અધિકારીની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે દરમિયાન રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે બર્થડે પાર્ટીમાં વિદેશી દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન બર્થડે પાર્ટીમાં 30 જેટલા લોકો મળી આવ્યા હતાં. જેમાંથી પોલીસ તપાસમાં 10 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે પોલીસ દરોડા દરમિયાન વોટર પાર્કમાંથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. પોલીસના નિવૃત અધિકારી રાજભા વાઘેલા દ્વારા બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ અધિકારીની પાર્ટીમાં મોટાભાગના નિવૃત પોલીસ કર્મીઓ હાજર હતાં. જ્યારે પોલોસની તપાસમાં એક પણ પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો નથી.