પોરબંદર: પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાત સરકારના અધિકારીઓને પોરબંદર જિલ્લામાં કેટલીક શાળાઓમાં અધિકૃત શિક્ષકોના બદલે પ્રોક્સી શિક્ષિકો ભણાવતા હોવાની અને મુખ્ય શિક્ષકો ગેરહાજર રહી ગુપ્ત રીતે અન્ય વ્યવસાય કરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા કુલ આઠ વ્યક્તિઓની સંડોવણી ધ્યાનમાં આવી હતી. ઉપરાંત અમુક બનાવટી શિક્ષકો શાળાના આચાર્યના સગા માલૂમ પડતાં ગેરરીતિના સમગ્ર પ્રકરણમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકની મિલીભગત પણ ધ્યાનમાં આવી હતી.
કુલ સંડોવાયેલ વ્યક્તિઓ પૈકી પાંચ વ્યક્તિ હાલ સરકારમાં સેવા બજાવે છે અને એક વ્યક્તિ નિવૃત્ત થયેલ છે તેમજ બાકીના બે વ્યક્તિ સરકારમાં સેવા બજાવતા ન હોવા છતાં અનઅધિકૃત રીતે શૈક્ષણિક કાર્ય કરતા હોવાનું તપાસમાં ધ્યાને આવ્યુ હતું. આચાર્યની મદદથી બનાવટી શિક્ષકો મહિનામાં એક-બેવાર આવીને હાજરીપત્રકમાં સહી કરી દેતા હતા. તપાસ અધિકારીઓ દ્વારા તમામ રેકોર્ડની ચકાસણી કરવામાં આવતા તેમજ ગેરરીતિમાં સંડોવાયેલ કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓના નિવેદન લેવામાં આવતા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોરબંદર દ્વારા શિક્ષકો સામે ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની છેતરપિંડી અને અન્ય કલમો નીચે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમજ કુલ પાંચ વ્યક્તિઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ફરજ પરથી મોકુફ કરવામાં આવ્યા હતા.