પોરબંદર : જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી સંદર્ભે પ્રભારી કુંવરજી બાવળીયાએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વધુ ખતરો જોવા મળી રહ્યા છે. જેને લઈને કુંવરજી બાવળીયા પોરબંદર જિલ્લા પ્રશાસનને જરૂરી તકેદારી રાખવા અને સલામતી માટે આગોતરા પગલાં માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી કામગીરી- પૂર્વ તૈયારીઓથી મંત્રી અવગત થયા હતા.
કુંવરજી બાવળીયાની વિવિધ વિસ્તારમાં મુલાકાત : પોરબંદર જિલ્લાના પ્રવાસે આવેલા કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુવરજી બાવળીયાએ વાવાઝોડા સંદર્ભે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કુવરજી બાવળીયાએ દરિયાઈ પટ્ટીના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જે સંદર્ભે ટુકડા ગોસા ખાતે કાર્યરત સાઇક્લોન સેન્ટરની મુલાકાત લીધી હતી. વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યની સુવિધા પૂરી પાડતા સાયકલોન સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે.
દરિયો ગાંડોતુર બન્યો : પોરબદંર વિસ્તારમાં અસરગ્રસ્તોને રહેવાના રૂમ, હોલ, કિચન, જમવા, પાણીની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય વગેરે સુવિધાની જાણકારી મેળવી તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, તલાટી કમ મંત્રીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરથી દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા નાગરિકો માટે ખાસ વ્યવસ્થા તૈયાર કરી છે. વાવાઝોડાથી સાવચેતી માટે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોએ અફવાઓમાં આવ્યા વિના સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.