પંચમહાલ જિલ્લામાં પશુ તસ્કરો દ્વારા કારમાં ગૌવંશની હેરાફેરી કરવામાં આવી રહી છે. સોમવારે મોડી સાંજે પાવાગઢ પોલીસના જવાનો શિવરાજપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે શિવરાજપુર ઝંડાચોક પાસે એક ગ્રે કલરની ઇન્ડીકા પુર ઝડપે આવતા પોલીસ જવાનોને શંકા જતા ઉભી રાખવાનું કહ્યું હતું. વાહન ચાલકે રોંગ સાઇડમાં પુરઝડપે ગાડી હંકારીને પોલીસની જીપને અથડાવી નુકશાન પહોંચાડ્યું હતું.
જેથી પોલીસે તાબડતોબ ઇન્ડીકા કાર ચાલક સદ્દામ ફારુક અને અહેજાદ અબ્દૂલ કાજીને પકડી પાડ્યા હતા. બાદમાં કારની પાછળના ભાગે પોલીસ તપાસ કરતા સીટના ભાગમાં દોરડાથી ક્રૂર રીતે ગાયોને બાંધેલી હાલતમાં મળી આવી હતી. હાલ પોલીસે આ બંને ઇસમોને ઈન્ડીકા કાર અને ગાયો મળી કુલ 1 લાખ 80 હજારના મુદ્દામાલ સાથે પકડી તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.