નવસારીઃ ભારત સહિત ગુજરાતમાં છેલ્લા બે દિવસોમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. જોકે કોરોના વાઇરસની મહામારી સામે લડવાની યોજનાના ભાગ રૂપે સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુ લાદવા મોદી સરકારે ભારતીયોને અપીલ કરી છે. સરકારની આ ઘોષણા બાદ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખૂટી પડશે તેવી અફવાઓ શરૂ થઈ છે અને તેમાં પણ શાકભાજી માર્કેટ અઠવાડિયા સુધી બંધ રહેવાની વાતો નાના વેપારીઓ ફેલાવી રહ્યા છે. જેના પગલે લોકોએ જથ્થાબંધ શાકભાજી ખરીદવાનું શરૂ કર્યુ છે.
કોરોના ઇફેક્ટ : શાકભાજી માર્કેટ બે દિવસ બંધ, APMC આપશે હોમ ડીલેવરી શાકભાજીની અછત ઉભી થવાની સંભાવના સાથે જ શાકભાજીના ભાવમાં પણ 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે, લોકોની આશંકા થોડે અંશે સાચી પડી છે, કારણ જનતા કર્ફ્યુને ધ્યાને લેતા નવસારી નગર પાલિકાએ નવસારી શહેરની મુખ્ય શાકભાજી માર્કેટને 22 અને 23 માર્ચ, બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ બે દિવસો દરમિયાન પાલિકા દ્વારા સમગ્ર માર્કેટમાં સાફ સફાઈ હાથ ધરાશે. જેની જાણ થતા જ શનિવારે સાંજે પછી શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા લોકોની ભીડ જામી હતી.
કોરોના ઇફેક્ટ : શાકભાજી માર્કેટ બે દિવસ બંધ, APMC આપશે હોમ ડીલેવરી નવસારીની મુખ્ય શાકભાજી માર્કેટ બંધ રહેવાની વાત સામે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં નવસારી એપીએમસી માર્કેટ 22 માર્ચ, રવિવારે જનતા કરફ્યુના દિવસે પણ લોકોની સુવિધા માટે ચાલુ રહેશે. જોકે એપીએમસીમાં મહારાષ્ટ્રમાંથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આ સાથે જ વાતાવરણને કારણે પણ શાકભાજીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. જેેને નવસારીની ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. બીજી તરફ, APMC માર્કેટના મેનેજમેન્ટ દ્વારા લોકો મોટી સંખ્યામાં માર્કેટમાં આવી ભીડ ન કરે તે માટે જથ્થાબંધ શાકભાજી લોકોના ઘર સુધી પહોંચાડવાની વિશેષ સુવિધા ઉભી કરી છે. જેમાં સોસાયટી કે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા માર્કેટ મેનેજમેન્ટને જથ્થામાં શાકભાજીનો ઓર્ડર આપવો પડશે, ત્યારબાદ માર્કેટ મેનેજમેન્ટ વેપારીઓ પાસેથી શાકભાજી ખરીદી જે તે સોસાયટી કે એપાર્ટમેન્ટના રહીશોને પહોંચાડશે, જેમાં ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ એપીએમસી ઉઠાવશે, જ્યારે ગ્રાહકોએ શાકભાજીનું બીલ જ ચૂકવવુ પડશે. એક તરફ નવસારીનું રિટેલ શાકભાજી માર્કેટ બે દિવસ બંધ રહેશે, ત્યાં નવસારી એપીએમસી માર્કેટ ચાલુ રહેવા સાથે જ માર્કેટ મેનેજમેન્ટ લોકોના ઘર સુધી શાકભાજી પહોંચાડવાની સુવિધા ઉભી કરી છે, જે નવસારીવાસીઓ માટે સંકટના સમયમાં ઘણી ઉપયોગી સાબિત થશે.