વડોદરાના વત્સલ પરેશ ખમારે તેમજ રાજપીપળાના હેમંત બારોટે સાથે મળીને કુલ 9 યુવાન અને યુવતીઓ પાસેથી કેનેડાની આઈ.એમ.સી.લી. મિસ્સીસુગા ઓન્ટરિયા નામની કંપનીમાં બે વર્ષ માટે વર્ક પરમીટ વિઝા કંપની તરફથી તથા રહેવા જમવાની સુવિધા આપવાનું જણાવી વ્યક્તિ દીઠ 4.90 લાખ તથા બાયોમેટ્રિક ખર્ચના અલગથી 15000 મળી કુલ 48.45 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતા.
ઉપરાંત 27 જુલાઇ 2019ના રોજ કેનેડા લઈ જવાની બાંહેધરી આપી હતી. જો વિઝા રદ થાય તો 45 દિવસ સુધીમાં ફરી વિઝા ન મળે તો 46માં દિવસે એ તમામ રકમ પરત કરવાનો ભરોસો આપ્યો હતો.

આ કંપનીમાં વડોદરા અંકુરવાટિકા પંચવટી ગોરવાના નવનીત ચોરસિયા, અમદાવાદના કાર્તિક રાવલ, મનોજ મહેતા અને રાજુ પટેલ પાર્ટનર હોવાનું વત્સલે યુવાનોને જણાવ્યું હતું. આ લોકો રાજપીપળાના યુવાનોને કેનેડા લઈ જવા અવાર નવાર બહાના બતાવ્યા કરતા હતા. અંતે વત્સલ રૂપિયા લઈ ફરાર થઈ જતા પોતે છેતરાયા હોવાનું ભાન થતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ વત્સલ ખમારની કેનેડામાં આઈ.એમ.સી.એલ નામની કોઈ કંપની અસ્તિત્વમાંજ ન હોવાનું પણ બહાર આવ્યું હતું.

આ ફરિયાદ બાદ રાજપીપળા પોલીસને ગણતરીના કલાકોમાંજ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ ચારેય વડોદરાના અન્ય 6 લોકો પાસેથી પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. વડોદરાના 6 યુવાનો પાસેથી પણ 75 લાખની આવી રીતે જ છેતરપિંડી કર્યાનું આરોપીઓએ કબૂલાત કરી હતી. ત્યારે હજુ આવું કેટલા લોકોને છેતર્યા છે. જેની પોલીસ તપાસ કરી રહી છે.