પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા મામલતદાર મારફત રાજ્યના કૃષિ પ્રધાન, પંચાયત અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગત વર્ષ 2018-19 ચોમાસાની ઋતુ દરમિયાન નહીવત વરસાદ થયો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. જેથી વર્ષ 2018-19નો કપાસનો પાકવીમો સરકાર ઝડપથી ચૂકવે તેવી માગ કરી છે. તેમજ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થયા બાદ બીજો વરસાદ 40 દિવસના અંતરે પડયો છે અને જે વાવેતર કર્યુ હતું તે નિષ્ફળ ગયું છે. તો સૌની યોજના દ્વારા ટંકારા તાલુકાના ડેમો ભરવામાં આવે જેથી ખેડૂતોના ખેતરમાં વાવેલો પાક બચી શકે.
ટંકારા તાલુકાના ડેમ, તળાવો, નદી તથા ખેડૂતોના ખેતરમાં કુવાઓ પણ ખાલી હોવાથી પિયત માટે અન્ય કોઈ સ્ત્રોત નથી. તે ઉપરાંત ઘાસચારાની પણ તંગી છે. માલઢોર પશુઓ નિભાવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી મળતી તમામ સરકારી સહાય આપવાની માગ કરી છે.