મોરબીઃ જિલ્લાના ટંકારામાં ડૉક્ટરે ખોટો રિપોર્ટ બનાવવાની ના કહેતા એક ઈસમે ડૉક્ટર પર હુમલો કર્યો હતો. ટંકારામાં સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડૉ.એન.એન.ઝાલા પર આજે દવાખાનામાં ચેકઅપ માટે આવેલા એક ઈસમે હુમલો કર્યો હતો.
ડૉક્ટર નરેન્દ્રસિંહ ઝાલાને આંખ તથા મોઢા પર ઈજા થતા વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ અંગે સૂત્રો મુજબ નીતિન કરસન સોલંકી નામનો ઈસમ બપોરે બજારમાં ગયો હતો, ત્યારે તેના પાડોશી સાથે ઝઘડો થયો હતો. જેની ફરિયાદ કરવા પાડોશી ગયો હતો અને આ ઈસમ પણ વળતી ફરિયાદ કરવાના ઈરાદે સરકારી દવાખાને ગયો હતો. ઈજાનો રિપોર્ટ બનાવવા ડૉક્ટરને દબાણ કર્યું હતું. જો કે, એવી કોઈ ઈજા ના હોવાથી ડૉકટરે રિપોર્ટ બનાવી દેવા કે એડમિટ થવાની જરૂર ના હોવાનું કહેતા આ ઈસમે ડૉક્ટર પર હુમલો કર્યો હતો. જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા અને ફરાર થયેલા ઈસમને ઝડપી લેવા તપાસ ચલાવી છે.