મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિ ને પગલે કપાસ અને મગફળીના પાકોને ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે નુકશાની સર્વે અંગે આજે મોરબીના નાની વાવડી ગામે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિ નિહાળી હતી. ત્યારે ખેડૂતો ભારે મુશ્કેલ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. ગામના ખેડૂતો સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે, હજુ કોઈ સર્વે કરવા આવ્યું નથી. અને સર્વે કરી જાય તો પણ પૂરો પાકવીમો મળતો નથી. ગત વર્ષ દુષ્કાળનું હતું અને એના આગલા વર્ષે અતિવૃષ્ટિ હતી. આમ છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોના પાક બરબાદ થઇ રહ્યા છે. જયારે અન્ય ખેડૂતો જણાવે છે કે, સરકાર પ્રત્યે કોઈ આશા નથી. ખેડૂતોને વીમો જાહેર કર્યો પણ તે અપૂરતો હોય જેથી ખેતરમાં મજુરીના પૈસા પણ ખેડૂતોને મળ્યા ન હતા. તો ચાલુ વર્ષ કપાસ ફેલ છે. અને મગફળીમાં સડો થતા ખેડૂતો પાયમાલ થયા છે.
મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિ અને ખેતીમાં થયેલ નુકશાન અંગે જીલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતા તેઓ જણાવે છે કે, જીલ્લામાં 3.25 લાખ હેક્ટરમાંથી કુલ 3.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં 1.84 લાખ હેક્ટરમાં કપાસ અને 41 હજાર હેક્ટરમાં મગફળીનું સૌથી વધુ વાવેતર હતું. બાદમાં અતિવૃષ્ટિથી પાકને નુકશાની માટે 18 ટીમો બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં જીલ્લાના 345 માંથી 198 ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ થઇ ચુકી છે.
જયારે બાકીના ગામોમાં પણ દિવાળી સુધીમાં સર્વેં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. તો ખેતીના પાકને નુકશાનીના સર્વમાં અસરગ્રસ્ત 35000 હેક્ટરમાંથી કુલ21000 હેક્ટરમાં સર્વે કરાયો છે. જેમાં 2100 હેક્ટર કપાસમાં તેમજ 200 હેક્ટર મગફળીના પાકને નુકશાન અને અન્ય પાકોને 1200 હેક્ટર જેટલું નુકશાન જોવા મળ્યું છે.
મોરબી જીલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કરાયું છે. અને અતિવૃષ્ટિને પગલે કપાસના પાકને નુકશાન થયું છે. તો ખેતીના પાકને થયેલ નુકશાની માટેની સર્વે કામગીરી તો સરકારે શરુ કરી છે. પરંતુ આ કામગીરી ધીમી ચાલતી હોય અને હજુ અનેક વિસ્તારમાં સર્વે જ કરવાનો બાકી છે. તો વળી જ્યાં સર્વે થઇ ચુક્યો છે. તેવા વિસ્તારના ખેડૂતોને પણ સરકાર કેટલી સહાય આપે છે. અને વિમાની પુરતી રકમ આપે છે કે ફરી પાછું ખેડૂતને નિરાશા જ મળે છે. તેવી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.