હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામને જોડતો નદી પર આવેલો પુલ છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલ છે. જેથી આ ગામ વચ્ચે આવવા જવા માટે હવે આ પુલ ઉપયોગમાં લઇ શકાય તેમ ના હોય જેથી ગ્રામજનોએ પાંચ કિલોમીટર લાંબુ ચક્કર કાપવું પડે છે. અંતરિયાળ એવા ગામડાઓમાં વાહનની સગવડો પણ ના હોય જેથી માત્ર પુલ રિપેરીંગ ના કરવાના તંત્રના અક્કડ વલણને કારણે ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અહી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી. કારણ કે, ગામના વિદ્યાર્થીઓને દરરોજ નદી પાર કરીને સામે પાર આવેલા મયુરનગર ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જવું પડે છે. એ પણ જીવના જોખમે.
ગામના ધોરણ 9 થી 12ના કુલ મળીને 200 જેટલા વિદ્યાર્થીઓને મયુરનગર જવા માટે હવે બીજો કોઈ માર્ગ રહ્યો નથી અને પાંચ કિલોમીટર ફરીને જવા માટે પણ વાહનની સગવડ નથી જેથી નદી પાર કરીને જીવના જોખમે અહીંથી જ પસાર થવું પડે છે. જેના માટે ગ્રામજનોએ હુકડા જેવું બનાવ્યું છે. જોકે તેના પરથી પસાર થવામાં ભારોભાર જીવનું જોખમ રહેલું છે. છતાં અક્ષર જ્ઞાન માટે વિદ્યાર્થીઓ આવા જીવના જોખમે પણ હાઈસ્કૂલ પહોંચે છે. જે અંગે વિદ્યાર્થીઓ જણાવે છે કે, પુલ આજકાલનો નહીં, પરંતુ તૂટી ગયાને ચાર વર્ષ વીતી ગયા છે. પરંતુ રીપેર કરવા માટે તંત્ર અને સરકાર કોઈ પગલા લેતું નથી અને વિદ્યાર્થીઓ મુશકેલીમાં મુકાઈ રહ્યાં છે.
આમ 2800ની વસ્તી ધરાવતા ગ્રામજનો અને તેનાથી પણ વિશેષ 200 જેટલા ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે તંત્ર આટલું ઉદાસીન કેવી રીતે હોઈ સકે તેવા સવાલો પણ અહી ચોક્કસ ઉદભવે છે. ગ્રામજનોમાં તંત્ર અને સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, તેના જીવથી પણ વ્હાલા બાળકો રોજ જીવના જોખમે નદી પાર કરે છે અને ક્યારે દુર્ઘટના સર્જાય તેવો ઉચાટ સતત વાલીઓના મનમાં જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમો પાછળ કરોડોના આંધણ કરી શકતી સરકાર પાસે પુલ રીપેર કરાવવા કે, નવો બનાવવા માટે નાણાકીય જોગવાઈ ના હોય તેવું લાગી રહ્યું છે. પુલનો પ્રશ્ન ચાર વર્ષથી અધ્ધરતાલ જોવા મળી રહ્યો છે