મહેસાણા દૂધ સાગર ડેરી ઉત્તર ગુજરાતના 3 મહત્વના જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદ રૂપ ગણાય છે, ત્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોનાદૂધના ભાવ મામલે ડેરી સામે પ્રશ્નો ઉભા થયા હતા. ડેરી દ્વારા દૂધની આવક પર આગામી એપ્રિલ માસની પહેલી તારીખથી દૂધના કિલોફેટ રૂપિયા 25નો વધારો આપવા જાહેરાત કરવામાં આવી હતી.
જો કે, પશુપાલકોના હિતમાં લેવાયેલા આ નિર્ણયને પણ મહેસાણા ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના નિયમના પગલે ડેરી સત્તાધીશોને દૂધના ભાવમાં 25 રૂપિયાનો અને 1 એપ્રિલથી કિલો ફેટે 575 ભાવ આપવાની જાહેરાત સામે નોટિસ ફટકારવામાં આવી છે. આદર્શ આચારસંહિતામાં ચૂંટણી પંચની મંજૂરી બાદ સહકારી ક્ષેત્રે આ પ્રકારની જાહેરાત કરવામાં આવતીહોય છે, ત્યારે નોટિસ દ્વારા ડેરી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. જેના આધારે ચૂંટણી પંચ ડેરી સામે આગળની કાર્યવાહી કરશે.
દૂધ સાગર ડેરી સામાન્ય રીતે સહકારી સંસ્થા છે અને ચૂંટણી પંચના માથે લોકશાહીના પર્વની જવાબદારી છે, ત્યારે દૂધના ભાવ વધારા બાબતે સર્જાયેલી આચારસંહિતાની અટકળો વચ્ચે ડેરીના વાઇસ ચેરમેને વર્તમાન સરકાર સામે નિશાન તાક્યું છે. પશુપાલકોના હિત માટે સરકાર રજૂઆત કરી શકે છે છતાં ભાવ વધારા સામે નોટિસો કેમ અપાઈ રહી છે તેવા સવાલો ઉઠાવ્યા છે.