મહેસાણા ખાતે આવેલ દૂધસાગર ડેરી એ દેશમાં સર્વોત્તમ પ્રકારના દૂધ ઉત્પાદન માટે જાણીતી છે, ત્યારે દૂધસાગર ડેરી સાથે સંકલિત હરિયાણાના માનેસર ખાતે આવેલ દુધમાનસાગર ડેરીમાં ફરજ બજાવતા મહેસાણાના કર્મચારીઓ પર પરપ્રાંતીય દ્વારા હુમલો કરાતા મામલો બીચકાયો હતો, જેને લઈ મહેસાણાથી માનેસર ફરજ બજાવવા ગયેલા તમામ મહેસાણાના કર્મચારી ઘટના સામે વિરોધ નોંધાવતા દુધ માનસાગર ડેરીના કામકાજ અને પોતાની ફરજથી અળગા રહી હડતાળ પાડી છે.
ત્રણ દિવસથી ચાલતી આ હડતાલને પગલે મહેસાણા દૂધસાગર ડેરીએ પત્ર લખી માનસેર ખાતે ફરજ બજાવતા તમામ મહેસાણાના 45 કર્મચારીઓની બદલી મહેસાણા ખાતે કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હરિયાણામાં આવેલ મનેસર ખાતેની દુધમાનસાગર ડેરીમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના 45 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યાં 3 દિવસ પહેલા પરપ્રાંતીય લોકો દ્વારા કોઈ મહેસાણાના કર્મચારી સાથે મારામારી કરાતા તમામ મહેસાણા કર્મચારીઓ ન્યાયની માંગ સાથે ડેરીમાં ફરજ પરથી દુર રહી સતત 3 દિવસથી હડતાલ પર ઉતરી આવ્યાં છે.
જે ઘટના અનુસંધાને મહેસાણા દૂધસાગર ડેરીએ હડતાલ પર ઉતરી આવેલા તમામ 45 જેટલા કર્મચારીની મહેસાણા દૂધસાગર ડેરી ખાતે જરૂરિયાત હોવાનું દર્શાવી બદલી કરી નાખી છે. જોકે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ બદલીનો ઓર્ડર સ્વીકારવા તૈયાર ન હોવાની અને હડતાલ યથાવત રાખવાની તૈયારીઓ બતાવી રહ્યાં છે.
જેને પગલે સસજે સતત ત્રીજા દિવસે હરિયાણાના મનેસરના દુધમાનસાગર પ્લાન્ટ પર કર્મચારીઓની હડતાલને પગલે ડેરીનું કામકાજ ઠપ થવા પામ્યું છે. તો હડતાલને પગલે ડેરીને મોટું નુકશાન પણ વેઠવાનો વારો આવી શકે છે, તેવી સ્થિતિ વચ્ચે હવે કર્મચારીઓની હળતાલનો અંત અને બદલીની પ્રક્રિયા થાય છે કે કેમ તે જોવું રહ્યું.