નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે બળદેવગીરી બાપુના અંતિમ દર્શન કર્યા..!
બાપુના સંસ્મરણો યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી
બાપુના આશીર્વાદથી અનેક ગણી પ્રગતિ થઈ છે : નીતિન પટેલ
મહેસાણાઃ 24 ડિસેમ્બરે જિલ્લાના તરભ ગામે આવેલા વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરી મહારાજ બ્રહ્મલીન થતા રબારી સમાજ સહિત અનેક મહાનુભાવો તેમના અંતિમ દર્શન માટે તરભ ગામે પહોંચ્યા હતા. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ સ્વર્ગવાસી બળદેવગીરી બાપુના પાર્થિવ દેહન અંતિમ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
હજારોની જનમેદની વચ્ચે નીતિન પટેલે બાપુની યાદોને વાગોળી
તરભ ખાતે આવેલો વાળીનાથ અખાડો એક એવું ધાર્મિક સ્થાન છે, જ્યાં માલધારી સમાજના લોકોની અપાર શ્રદ્ધા જોડાયેલી છે. ત્યારે આ સ્થળ પર બળદેવગીરી બાપુના અંતિમ દર્શન સમયે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાની પ્રગતિ માટે આ ધાર્મિક સ્થળના દર્શન અને સંતોના આશીર્વાદને મહત્વના ગણાવ્યા હતા. સરકારે પણ બળદેવગીરી મહારાજના આશીર્વાદથી વાળીનાથ ધામના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા હોવાની વાત કરતા આ સંતની અંતિમ વિદાય પર શ્રદ્ધાંજલિ પાઠવી બળદેવગીરી બાપુના ભક્તોને સાંત્વના પાઠવી હતી.