લુણાવાડાઃ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સખી વનસ્ટોપ સેન્ટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અનુસાર મહીસાગર જિલ્લામાં પણ સખી વનસ્ટોપ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ કિશોરી, યુવતી કે મહિલાને જરૂરી માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે અભયમ 181 મહિલા હેલ્પ લાઇન પણ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જરૂરતમંદ કિશોરી, યુવતી કે મહિલાને ફોન પર માર્ગદર્શન, સલાહ-સૂચન, હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ, ટૂંકા-લાંબા ગાળાનું કાઉન્સેલીંગ, મહિલા લક્ષી માળખાઓ અને યોજનાઓની જાણકારી આપવામાં આવે છે.
સખી વનસ્ટોપ સેન્ટર યોજનાનો મહિલાને લાભ
જયારે સખી વનસ્ટોપ સેન્ટરમા હિંસાથી પીડિત મહિલા/કિશોરીને તાત્કાલિક રિસ્પોસન્સ અને રેસ્કયુ સર્વિસીસ, તબીબી, કાનૂની સહાય એક જ જગ્યાએથી હિંસા પીડિત મહિલાને તમામ પ્રકારની તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને સુરક્ષા આપવામાં આવે છે. તાજેતરમાં આવી જ એક મહિલાની વ્હારે મહીસાગર જિલ્લાનું સખી વનસ્ટોપ સેન્ટર અને અભયમ 181 મહિલા હેલ્પ લાઇન આવી છે. 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા સંતરામપુર બસસ્ટેશનમાંથી એક મહિલાને સખી વનસ્ટોપ સેન્ટર લાવવામાં આવી હતી.
મહિલાને સખી વનસ્ટોપ સેન્ટરમાં આશ્રય
આ મહિલાને સખી વનસ્ટોપ સેન્ટર પર લાવવામાં આવતાં આ મહિલાનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, હું રાજકોટથી આવી છું. મેં ભાગીને લગ્ન કર્યા હતા. હાલમાં હું નવ માસે ગર્ભવતી છું. મારુ પિયર અને સાસરી એક જ ગામમાં હોવાથી મારા પિયર પક્ષના વારંવાર ધમકી આપતા હતા. જેથી હું રાજકોટથી એકલી જ સંતરામપુર આવી છુ. પરંતુ મને પિયરમાં જતા ડર લાગતો હોવાથી મે 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કર્યો હતો. 181 પર ફોન કરતાં આ મહિલાને સખીવનસ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. મહિલા ગર્ભવતી હોવાથી સખી વનસ્ટોપ સેન્ટર દ્વારા તેને કોટેજ હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી.
ગર્ભવતિ મહિલાની સારસંભાળ
આ દરમિયાન મહિલાને દુઃખાવો થતાં ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને આ અંગે તેના સાસરા પક્ષ અને પિયર પક્ષને જાણ કરવામાં આવી હતી. સેન્ટર દ્વારા તેઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ. મહિલા તેના પિયરેે દવા નહોતી ઈચ્છતી. તેથી સેન્ટર દ્વારા જ તેની ડિલિવરી કરાવવામાં આવી અને તેની સારસંભાળ રાખવામાં આવી રહી છે. આમ, મહીસાગરનું સખી વનસ્ટોપ સેન્ટર કે જે એક ગર્ભવતી મહિલા કે જેને આવા સમયે દેખરેખ રાખવા માટે મહિલાની જરૂર હતી તેવા સમયે પિયર કે સાસરી પક્ષમાંથી કોઇપણ મહિલાએ તેને સહારો ન આપતા તેમજ તેની સાથે કોઇ પણ મહિલા નહોતી ત્યારે સખી વનસ્ટોપ સેન્ટરે ખરા અર્થમાં તેમની તેમી સખી બની મદદ કરી છે.