લૂણાવાડા : મહીસાગર જિલ્લાના લૂણાવાડા એસટી સ્ટેશનમાં વધુ એકવાર બસ ફસાઈ જવાની ઘટના બની હતી. લૂણાવાડા બસ સ્ટેશન પર પડેલ ખાડામાં બસ ફસાઇ ગઇ હતી. પોતાના ગંતવ્ય સ્થાને જવામાં મોડું થતું હોવાથી બસમાં સવારી કરનારા પ્રવાસીઓને જ ખાડામાં ફસાયેલી એસટી બસને ધક્કા મારીને બહાર કાઢવાનો વખત આવ્યો હતો.
અવારનવાર બસો ફસાઈ છે : બસમાં સવાર પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા ધક્કા મારી બસને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે બસ ખાડામાં ફસાતા બહાર રોડ પર થોડી વાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. લૂણાવાડા એસટી સ્ટેશનમાં વર્ષોથી પડેલ ખાડામાં અવારનવાર બસો ફસાઈ જતી હોવા છતાં ખાડા પુરવામાં આવતા ન હતા. જે બાબતે સ્થાનિક મીડિયામાં અનેકવાર અહેવાલો પ્રસારિત કર્યા છતાં ખાડા પુરવામાં ન આવતા લોકો રોષે ભરાયા હતાં. ત્યારે લૂણાવાડા કોંગ્રેસના નેતા તંત્રને ઝાપટ્યું હતું
લૂણાવાડા બસ સ્ટેશનમાંથી ગરીબ પ્રજા એસટીની અંદર મુસાફરી કરે છે. ત્યારે આ પડેલા ખાડાનો ભોગ ગરીબ મુસાફર જ બને છે. એસટી ગરીબો પાસેથી ટિકિટના પૈસા લઈ વસૂલ કરે છે અને તેમને આવી દયનીય સ્થિતિમાં મૂકે છે. મુસાફરો ટિકિટના પૈસા ખર્ચે છે તો તેમને સુવિધા મળવી જ જોઈએ. એસટી તંત્ર દ્વારા આ ખાડાનું સમારકામ સત્વરે થાય તેવું જણાવી રહ્યા છે....સુરેશભાઈ પટેલ(મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ)
બસચાલકો પણ હેરાન : મહીસાગર જિલ્લાના વડામથક લૂણાવાડા એસટી સ્ટેશનમાં મસમોટા ખાડા પડવાને કારણે મુસાફર જનતા તેમજ બસચાલકો હેરાન થઈ રહ્યાં છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર લૂણાવાડા બસ સ્ટેશન પર પડેલ ખાડામાં ગોધરાથી વિરપુર જતી બસ ફસાતા લોકોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો. બસમાં સવાર પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા ધક્કા મારી ખાડામાંથી બસને બહાર કાઢવામાં આવી હતી.
મોડાસા જવાના પ્લેટફોર્મ વચ્ચે મોટા ખાડા : લૂણાવાડા એસટી બસ સ્ટેશન પરથી રાજ્યના અનેક શહેરોમાં બસો દોડાવવામાં આવી રહી છે. ઉપરાંત અહીંથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પંચમહાલ અને અન્ય રાજ્યોમાં પણ બસો દોડાવવામાં આવે છે. આ બસસ્ટેન્ડમાં વધુ બસોની અવરજવરને કારણે આખો દિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે. ગત સપ્તાહે પડેલા ભારે વરસાદ બાદ બસ સ્ટેન્ડમાં મોટા ખાડા પડી ગયા છે. તેમાં પણ મોડાસા જવાના પ્લેટફોર્મ વચ્ચે મોટા ખાડાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. ઘણી વખત ખાડામાં બસના પૈડાં પડવાથી ઉડતા પાણીના છાંટાથી પ્રવાસીઓના કપડાં પણ બગડે છે અને બસસ્ટેન્ડમાં આવતા પ્રવાસીઓ ખાડામાં પડી જવાના બનાવો પણ બન્યા છે.
ઉકેલ લાવી શકાય તેમ છે : ત્યારે બસ ખાડામાં ફસાતા બહાર રોડ પર થોડી વાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ લૂણાવાડામાં નવીન એસટી વર્કશોપનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ત્યાંથી નજીકમાંથી રેતી કપચી અને સિમેન્ટ લાવી તે ખાડાનું સમારકામ થઈ શકે તેમ છે. પરંતુ એસટી તંત્ર દ્વારા ખાડા પૂરવાની તસ્દી લેવામાં આવતી ન હોવાનુ સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
દર ચોમાસામાં ખાડાની સમસ્યા : આ ઉપરાંત લૂણાવાડા એસટી સ્ટેશનમાં પડેલા ખાડાથી લોકો થતી ઇજાઓની સારવારમાં પ્રવાસીઓને મોંઘવારીમાં વધુ માર પડે છે. દર વર્ષની જેમ ચોમાસાની ઋતુનો પ્રારંભ થાય અને બસસ્ટેન્ડમાં ગાબડા પડવાની શરૂઆત જોવા મળે છે. જેનાથી પ્રવાસીઓબસસ્ટેન્ડમાં પડેલા ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે બાબતે સ્થાનિક મીડિયામાં અનેકવાર અહેવાલો પ્રસારિત કર્યા છતાં ખાડા પુરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે. ત્યારે તાકીદે એસટી વિભાગ દ્વારા આ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે તેવી જનતાની માંગ છે.